જૂનાગઢઃ આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ રામનવમીખૂબ જ આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવાઈ રહ્યો છે. જૂનાગઢમાં સૌરાષ્ટ્રની બીજા ક્રમની સૌથી મોટી રામ જન્મોત્સવ શોભાયાત્રા નીકળતી હોય છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાતા હોય છે. શોભાયાત્રા ના માર્ગ પર ઠેક ઠેકાણે સ્વયંસેવકો દ્વારા પ્રત્યેક ભક્તને પ્રસાદ મળી રહે તેનું આયોજન કરવામાં આવતુ હોય છે. છેલ્લા 3 વર્ષથી જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારમાં પીપળેશ્વર સુંદરકાંડ પાઠ મંડળ દ્વારા પ્રત્યેક ભક્તને વિનામૂલ્ય પ્રસાદ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. જેનો લાભ શોભાયાત્રામાં સામેલ હજારો ભક્તોને મળે છે.
700 કિલો બટાકાની વેફરનો પ્રસાદઃ પીપળેશ્વર મહાદેવ મંદિર સુંદરકાંડ પાઠ મંડળ દ્વારા દર વર્ષે રામનવમી અને જન્માષ્ટમીના પાવન પર્વે વર્ષમાં 2 વખત ભક્તો માટે બટાકાની ચિપ્સનો પ્રસાદ આપવાની પરંપરા છે. જન્માષ્ટમી અને રામનવમીના દિવસે કોઈપણ વ્યક્તિને ઉપવાસ હોયતો પણ તેઓ બટાકાની ચિપ્સનો પ્રસાદ ગ્રહણ કરી શકે છે. આજે 700 કિલો બટાકા અને અંદાજિત ૭ થી ૮ ડબ્બા સિંગતેલનો ઉપયોગ પ્રસાદ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. મંડળના 40 સભ્યો સતત પ્રસાદ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. તેની પાછળ અંદાજિત 70 થી 80 હજાર રૂપિયા નો ખર્ચ પણ થાય છે. જે સુંદરકાંડ પાઠ મંડળને આરતીમાં મળેલી ભેટ અને દક્ષિણામાંથી કરવામાં આવે છે.
છેલ્લા 3 વર્ષથી પીપળેશ્વર સુંદરકાંડ પાઠ મંડળ દ્વારા વિનામૂલ્યે ભક્તોને બટેટાની ચિપ્સ પ્રસાદ રૂપે વિનામૂલ્યે અપાય છે. આ પ્રસાદની તૈયારી માટે સતત 2 દિવસથી 40 સભ્યો મહેનત કરી રહ્યા છે...ધીરેનભાઈ ગઢીયા(સભ્ય, પીપળેશ્વર સુંદરકાંડ પાઠ મંડળ, જૂનાગઢ)