જૂનાગઢઃ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અકસ્માત બાદ ફરી એક વખત ફાયર એનઓસીનો મુદ્દો ચર્ચાસ્પદ બની રહ્યો છે. પાછલા વર્ષોના અનુભવ પરથી એવું સ્પષ્ટ થાય છે કે કોઈ પણ મોટા અકસ્માત પછી વહીવટી તંત્ર અને મિલકત ધારકો ફાયર એનઓસી કે બીયુ પ્રમાણપત્રને લઈને સરકારી અને કાયદાના કોરડાથી બચવા માટે પ્રયાસો કરતા હોય છે. વહીવટી તંત્ર દ્વારા અકસ્માત બાદ ફાયર કે બીયુ પ્રમાણપત્ર નહીં રજૂ કરેલી મિલકતોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરતી હોય છે. જે પ્રત્યેક નવા અકસ્માત બાદ દર વખતે શરૂ થાય છે.
તંત્ર અને માલીકોની મીલીભગતઃ ફાયર એનઓસી સંદર્ભે જૂનાગઢના કાયદાશાસ્ત્રી કિરીટ સંઘવી જણાવે છે કે, સમગ્ર મામલામાં મનપા તંત્ર અને જે તે મિલકતના માલિક કે તેનો ભોગવટો ધરાવનાર લોકો એકબીજા સાથે સમજૂતી કરીને ફાયર એનઓસી વગર બાંધકામોને મંજૂરી મેળવતા હોય છે. સામાન્ય રીતે બી યુ પ્રમાણપત્રની સાથે જો ફાયર એનઓસીને જોડી દેવામાં આવે તો મોટાભાગના બાંધકામો બીયુ પ્રમાણપત્રની સાથે ફાયર એનઓસી યુક્ત બની શકે. મિલકત ધારકો દ્વારા કરવામાં આવતા સોગંદનામાં પર ભરોસો કરીને મનપા તંત્રના કર્મચારી કે અધિકારીઓ સ્થળ પરનું જાત નિરીક્ષણ કર્યા વગર જ બિલ્ડીંગ ને લોકોના ઉપયોગ કરવા માટે આપવાનો છૂટો દોર મૂકે છે જેને કારણે પણ આવા અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતો બાદ જ ફાયર એનઓસી કે બીયુ પ્રમાણપત્રની કિંમત લોકોને સમજાય છે.
પ્રક્રિયા સરળ હોવી જોઈએઃ બી યુ પ્રમાણપત્ર અને ફાયર એનઓસીની પ્રક્રિયા કેટલાક કિસ્સામાં મિલકત ધારકોને મુશ્કેલીમાં પણ મૂકે છે તેને માટે આ પ્રક્રિયા બિલકુલ સરળ હોવી જોઈએ જેથી લોકો કોઈ પણ પાછલા દરવાજાનો કે ટૂંકો રસ્તો અપનાવીને તેમના બાંધકામોને લોકોના ઉપયોગ માટે શરૂ ન કરી દે. મનપા તંત્ર દ્વારા પોતાની નૈતિક જવાબદારી છે તેના ભાગરૂપે પણ કોઈ પણ બાંધકામોમાં ફાયર એનઓસી સહિત લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સમયાતરે તેની ચકાસણી કરવી જોઈએ આ પ્રકારનો ઉલ્લેખ બી.પી.એમ.સી એક્ટમાં પણ છે. વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારીઓ નવા બાંધકામની મંજૂરી આપ્યા બાદ તેનું સમાન નિરીક્ષણ કે પુનઃ ચકાસણી કરતા નથી જેને કારણે આવા અકસ્માતો બાદ ફાયર એનઓસી કે બી યુ પ્રમાણપત્રનો મુદ્દો ઉપસ્થિત થતો હોય છે.