જુનાગઢ : આજે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠક પર ગરીબ લાભાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી મળેલા ઘરના ઘરનું લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ઘરનું ઘર પ્રાપ્ત કરેલા લાભાર્થીઓને આજે વિધિવત રીતે તેમનું ઘર સુપ્રત કરાયું હતું. ઘર મેળવેલા પ્રત્યેક વ્યક્તિએ કેન્દ્રની સાથે રાજ્યની સરકારનો ઘર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
634 આવાસ પૂર્ણ : જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ચાર ઘટકો પૈકી બીએલસી અંતર્ગત ફેસ 1 થી 8 ના 743 જેટલા આવાસ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવ્યા હતાં. જે પૈકીના 634 જેટલા આવાસ બાંધકામ થઈને પૂર્ણ થયા છે અને 82 જેટલા આવાસનું કામ આજે ખૂબ ઝડપભેર પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. જેના માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા 23.26 કરોડની આર્થિક સહાય પણ જે તે લાભાર્થીઓને ચૂકવી દેવામાં આવી છે. જુનાગઢ વિધાનસભાના 17 જેટલા ગામોમાં 148 જેટલા લાભાર્થીઓ ઘરના ઘરની યોજનામાં સામેલ થઈને આજે પાકી છતવાળું ઘર મેળવવામાં સફળ બન્યા છે.
ગુજરાતના 115 ગ્રામીણ મતવિસ્તાર સાથે જોડાયાં : આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના 115 ગ્રામીણ મતવિસ્તાર અને 67 શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાયાં હતાં. એટલે કે તમામ 182 વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થયાં બતાં. જુનાગઢ ઉપરાંત રાજ્યના અન્ય સ્થળોએ પણ પીએમ મોદીએ ઓનલાઇન જોડાઇ ઘણાં લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના ( શહેરી )ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 5.96 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલી લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.