જૂનાગઢઃ બિહારના સાંસદના વિવાદાસ્પદ નિવેદન અને વડોદરા ભાજપ પ્રમુખના બેજવાબદારી પૂર્વકના બફાટના ક્રમમાં હવે જૂનાગઢ લોકસભા બેઠકના સાંસદ રાજેશ ચુડાસમા પણ જોડાયા છે. ગઈકાલે પ્રાચી ખાતે કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાજેશ ચુડાસમા એટલા આક્રમક અને ગુસ્સે થયેલા જોવા મળ્યા કે તેમણે ભાજપના જ કાર્યકરોને જાહેર મંચ પરથી જોઈ લેવાની ધમકી આપી દીધી.
ધમકીભર્યુ નિવેદનઃ કાર્યકર્તા અભિવાદન સમારોહમાં જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે, વિરોધી પ્રવૃત્તિ કરનારને ભાજપ છોડી શકે છે પણ હું કોઈને નહીં છોડું. આવી ટપોરી સ્ટાઈલ ભાષામાં રાજેશ ચુડાસમાનું નિવેદન હવે ભાજપ માટે ગળાનું હાડકું બની શકે છે. તાલાલા વિધાનસભામાં ભાજપને માત્ર 35 મતોની સરસાઈ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મળી હતી.
કોંગ્રેસના વાકપ્રહારઃ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું આ નિવેદન કોઈ પણ દૃષ્ટિએ ક્યારેય પણ સ્વીકારવા યોગ્ય નથી. આ પ્રતિભાવ કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અને જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા એ આપ્યો છે. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પણ રાજેશ ચુડાસમાના આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે. પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ આવી ટપોરી ભાષામાં વાત કરે તે ક્યારેય સ્વીકાર્ય નથી. ચૂંટણીમાં હાર કે જીત થતી હોય છે, ક્યારેક વધુ તો ક્યારેક ઓછા મત પણ મળતા હોય છે પરંતુ આ રીતે ધમકીની ભાષામાં વાત કરીને જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યારેય લોકશાહીમાં સાચું ઉદાહરણ બની ન શકે.