જૂનાગઢઃ રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લાની નેત્રમ શાખાને સન્માનિત કરવામાં આવતી હોય છે. જેમાં પાછલા 12 વર્ષથી જૂનાગઢ જિલ્લા પોલીસની સીસીટીવી એટલે કે નેત્રમ શાખા ગુનાના ઉકેલ અને અન્ય કામગીરીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ રહી છે. આ પ્રકારની સિદ્ધિ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને પ્રાપ્ત થઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સન્માન અને પ્રમાણપત્ર આપીને પોલીસ વિભાગની નેત્રમ શાખાની કામગીરીને બિરદાવી હતી.
નેત્રમ શાખાની કામગીરીઃ રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની નિરીક્ષણની કામગીરી જિલ્લાની નેત્રમ શાખા દ્વારા કરવામાં આવતી હોય છે. જેમાં દર 3 મહિને એવોર્ડ પણ આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખા ટ્રાફિક નિયમન ગુનાના ઉકેલ અને કોઈ કીમતી સામાન ચોરાઈ જવો કે અન્ય જગ્યા પર ભુલાઈ જવું વગેરે ઉકેલવામાં સમગ્ર રાજ્યમાં સારી કામગીરી કરે છે. જેને કારણે સતત 12 વર્ષથી નેત્રમ શાખા પ્રથમ આવી રહી છે. નેત્રમ શાખાના પીએસઆઈ તીન મશરૂ સહિત 26 જેટલા પોલીસ સ્ટાફ અને ઈજનેર 24 કલાક વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરી રહ્યા છે. જેમાં 3 વખત ઈ ચલણ અને 2 વખત ઈ કોપ એવોર્ડ પણ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને પ્રાપ્ત થઈ ચૂક્યો છે.
1105 કેસ ઉકેલ્યાઃ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખા દ્વારા નોંધાયેલા કુલ 1105 કેસોનો ઉકેલ અત્યાર સુધી કરવામાં આવ્યો છે. જેમાં નેત્રમ શાખાની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે. જે પૈકી 1060 જેટલા કેસો જૂનાગઢ પોલીસને રેન્જમાં આવતા હતા. આ સિવાય 45 જેટલા કેસો રાજકોટ, સોમનાથ, પોરબંદર દ્વારકા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને સુરત જિલ્લાના ગુનાઓ ઉકેલવામાં પણ જૂનાગઢ પોલીસની નેત્રમ શાખાને સફળતા મળી છે. અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 52 લાખ 90 હજાર 599 રૂપિયાનો મુદ્દામાલ પણ નેત્રમ શાખા દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી શોધવામાં પણ સફળતા મળી છે.