જૂનાગઢ: વન વિભાગે કેશોદના ઇન્દિરા નગરમાં રહેતા ચાર ઈસમોને મગરનો શિકાર કરવાના આરોપસર અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમના રિમાન્ડ ના મંજૂર કરતા તેઓને જૂનાગઢ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે.
ચારેય વ્યક્તિઓ ખાવા માટે માછલી પકડવા ગયા હતા. પરંતુ માછલી ન મળતા મગર હાથે ચડી ગયો અને કરી નાખ્યો મગરનો શિકાર. વન વિભાગની તપાસમાં ચાર આરોપીઓ મગરના શિકારમાં સામેલ જણાતા તેમને પકડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગયા હતા માછલી પકડવા અને મગરનો શિકાર કર્યો: જૂનાગઢ વન વિભાગે મગરનો શિકાર કરવાના આરોપસર કેશોદના ઇન્દિરા નગરના ચાર ઈસમોને શિકાર કરેલા મગરના અવશેષો સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગત તારીખ 21મી ડિસેમ્બરના રોજ વન વિભાગને કેશોદના એક સ્મશાનમાંથી મગરનો શિકાર થયો હોય તેવા અવશેષો મળ્યા હતા. જેને ધ્યાને રાખીને કેશોદ, મેંદરડા અને માળીયા વન વિભાગની અલગ અલગ ટીમોએ મગરના શિકારમાં તપાસ શરૂ કરી હતી. જેનું પગેરૂ કેશોદના ઇન્દિરા નગર વિસ્તારમાં મળી આવ્યું હતું. જે બાદ પોલીસે અહીંથી પ્રવિણ સોદરવા, સુનિલ વસાવા, દિનેશ રાવલિયા અને હીરા ધુળા નામના ચાર વ્યક્તિની મગરના શિકાર કરવાના આરોપમાં અટકાયત કરી છે.
કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરતા આરોપીઓ જેલ હવાલે: પકડાયેલા ચારેય આરોપીને કેશોદ કોર્ટમાં રજૂ કરતા કોટે રિમાન્ડ ના મંજૂર કરતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. વન્યજીવ સંરક્ષણધારા 1972 અને સુધારા કલમો અનુસાર ચારેય આરોપી વિરુદ્ધ વન વિભાગે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. વન વિભાગની તપાસમાં આરોપી પાસેથી મગરનો શિકાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને શિકાર કરાયેલા મગરના કેટલાક અવશેષો પણ મળ્યા હતા. કેશોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.પી.સુહાગીયાએ માધ્યમોને વિગતો આપી છે. સમગ્ર મામલામાં તપાસને અંતે ચાર આરોપીને પકડવામાં વન વિભાગને સફળતા મળી છે. મગરના શિકાર પાછળનો ચારેય વ્યક્તિઓનો ધ્યેય માસ ખાવાનો હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો: