જૂનાગઢ: આવતી કાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે. હાલ નવરાત્રી પૂર્વે જૂનાગઢની મહિલાઓ દ્વારા મા જગદંબાના આહવાન સમાન બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢમાં રહેતી સર્વજ્ઞાતિની બહેનોએ મા જગદંબાના બેઠા ગરબા કરીને જૂનાગઢની પ્રાચીન પરંપરા અનુસાર નવરાત્રી નિમિત્તે મા જગદંબાનું આહવાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, બેઠા ગરબાની પરંપરા એકમાત્ર સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ જૂનાગઢમાં આજે પણ જોવા મળે છે.
સર્વજ્ઞાતિ બેઠા ગરબાનું આયોજન: પ્રાચીન પરંપરા અનુસાર બેઠા ગરબા જુનાગઢની એક ઓળખ છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન જૂનાગઢની ઓળખ સમાન બેઠા ગરબા પ્રત્યેક ઘર, મહોલ્લા, શેરી અને મહિલાઓમાં પ્રસ્થાપિત થાય તે માટે પણ લોહાણા મહિલા મંડળ દ્વારા સર્વજ્ઞાતિ બેઠા ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં મહિલાઓએ તેમની ટીમ સાથે ખૂબ જ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
સુર, લય, તાલ અને તાળીનો સમન્વય: જૂનાગઢમાં પ્રાચીન પરંપરા થકી બેઠા ગરબા આજે પણ વર્ષ દરમિયાન આવતી ચારેય નવરાત્રિમાં આયોજિત થતા હોય છે. બેઠા ગરબા મુખ્યત્વે સુર, લય, તાલ અને તાળીને સથવારે કરવામાં આવતા હોય છે. જેમાં સંગીત માટે હાર્મોનિયમ, તબલા, મંજીરા અને ઢોલકની સાથે કેટલાક ગરબામા કરતાલનો પણ ઉપયોગ સંગીતના વાદ્યો તરીકે કરીને બેઠા ગરબા ગવાતા હોય છે.
જૂનાગઢમાં નાગરી પરંપરા અને ગિરનારા બ્રાહ્મણ દ્વારા આજે પણ બેઠા ગરબાને સાચવવાનું ગર્વ લેવામાં આવે છે. આવતી કાલથી જ્યારે નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે જૂનાગઢની પરંપરા અને એક અલગ ઓળખ સમાન બેઠા ગરબા કરીને જૂનાગઢની સર્વજ્ઞાતિય બહેનોએ મા જગદંબાનું આહવાન કર્યું હતું.
આ પણ વાંચો: