જૂનાગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક એવા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયું છે. જેના પરિણામે શહિદ પાર્ક-તળાવ દરવાજાથી લઈને સરદાર બાગ તરફ જવા માટેના માર્ગને એક માર્ગીય જાહેર કરાયો છે. આજે 2 વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે તેમ છતાં આ કામ પૂર્ણ થયું નથી. જેને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક માર્ગીય રસ્તાએ સર્જી બહુ માર્ગીય સમસ્યાઃ જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરનું બ્યૂટિફિકેશન તા. 29-10-2022ના દિવસે વર્ક ઓર્ડર આપવાની સાથે જ કામ શરૂ થયું હતું. આ કામ 18 માસની મુદતમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ આજ સુધીમાં 16 મહિના વીતી ગયા છે અને તેમાં માત્ર 30 ટકા જ કામ પૂર્ણ થયું છે. આ કામ માટે આ વિસ્તારનો મુખ્ય રસ્તો એક માર્ગીય-વન વે જાહેર કરાયો હતો. આ એકમાર્ગીય માર્ગ વાહન ચાલકો માટે હજુ બહુ માર્ગીય સમસ્યા બની રહ્યો છે.
રહેણાક વિસ્તારમાં ખૂબ પરેશાનીઃ જૂનાગઢ તળાવ દરવાજા વિસ્તાર બહુમાળી આવાસો ધરાવે છે. તે પૈકી સ્થાનિક ભાવેશ ગઢીયાએ પોતાની હૈયા વરાળ ઠાલવતા કહ્યું કે, અહીં એક લાખ જેટલા લોકો રહે છે. જે દૈનિક દિવસના 2 થી વધુ વખત આ માર્ગ પરથી પસાર થતા હોય છે. માર્ગ એક માર્ગીય થવાને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને 3 કિલોમીટર સુધી દૂર ફરવા જવું પડે છે. તેમાંય વચ્ચે 2 રેલવે ક્રોસિંગ પણ આવે છે. જે દિવસમાં 10 કરતા વધુ વખત બંધ થાય છે. જેને કારણે પણ આ વિસ્તારમાં રહેતા લોકોને ભારે પરેશાની વેઠવી પડે છે. તળાવ દરવાજાથી સરદાર બાગ માત્ર 5 મિનિટમાં પહોંચી શકાય છે પરંતુ આ માર્ગને એક માર્ગીય જાહેર કરાતાં હવે 5 મિનિટના અંતરનો રસ્તો 15 મિનિટે પણ પૂરો થતો નથી અને રેલવે ફાટક બંધ હોવાને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે.
જાહેરનામું બહાર પડાયુંઃ જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. એફ. ચૌધરીએ તા. 22-3-2024ના રોજ 2જી વખત નવું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શહીદપાર્ક ગાર્ડનથી શરૂ કરીને એચ.પી. પેટ્રોલ પંપ સુધીનો માર્ગ એક માર્ગીય જાહેર કરાયો છે. જે આગામી તા.21-5-2024 સુધી અમલમાં રહેશે. નરસિંહ મહેતા સરોવરના બ્યૂટીફિકેશનનું કામ 21 મે સુધીમાં પૂરું થાય તેવી કોઈ શક્યતા નથી. જેથી આ માર્ગ તળાવ દરવાજા વિસ્તારમાં રહેતા લોકો અને પસાર થતા વાહન ચાલકો માટે મુશ્કેલીનો માર્ગ બની રહ્યો છે.