જૂનાગઢ : 31મી જુલાઈના રોજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદત પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે વિધિવત ચૂંટણી દિવાળી સુધીમાં યોજાય તેવી શક્યતા બળવત્તર બની છે. 31 જુલાઈ બાદ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટદારનું શાસન આવશે, તે પણ નક્કી માનવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ મનપાની ટર્મ : દૂર ઠેલાઈ રહેલી ચૂંટણીને જૂનાગઢના મતદારો આવકારી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી ચોમાસા દરમિયાન યોજાતી નથી, પરંતુ વર્ષ 2001 માં જૂનાગઢ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ રાજ્યની વડી અદાલતમાં કોર્પોરેશન બનાવવાની લઈને કોર્ટનો અભિપ્રાય માગ્યો હતો.
જૂનાગઢ મનપા ચૂંટણી અપવાદ કેમ ? વર્ષ 2011 માં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત થયા બાદ જે તે સમયે જૂનાગઢ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. એક તૃતીયાંશ બહુમતી સાથે કોંગ્રેસના 27 નગરસેવકો ચૂંટણી જીત્યા હતા, પરંતુ રાજ્ય સરકારે જૂનાગઢને મહાનગરપાલિકા તરીકે ફેરવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરતા સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો. જેમાં કોર્ટે એક મહિનાની અંદર ચૂંટણી કરવાનો આદેશ રાજ્ય સરકાર કર્યો હતો. જૂન મહિનાના અંતમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને પ્રક્રિયા શરૂ થઈ હતી.
ક્યારે યોજાશે ચૂંટણી ? જે તે સમયના કોંગ્રેસના કોર્પોરેટર મુકેશ ધોળકિયાએ ETV Bharat સાથે સમગ્ર ઘટનાની વિગતો આપતાં જણાવ્યું કે, જૂનાગઢમાં સામાન્ય ચૂંટણી પૂરી થયાને એક વર્ષ જેટલો પણ સમય નહોતો વીત્યો, ત્યારે જૂનાગઢને મનપા જાહેર કરીને નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી. જેને લઈને તમામ ચૂંટાયેલા સદસ્યો કોર્ટમાં ગયા હતા. રાજ્યની વડી અદાલતે રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો કે, એક મહિનાની અંદર જૂનાગઢ મનપાની ચૂંટણી યોજવી. છેલ્લી ચાર વાર જૂન મહિનામાં ચૂંટણી યોજાઈ છે, પરંતુ આ વખતે આ પરંપરા તૂટવા જઈ રહી છે. સંભવત દિવાળી પહેલા જૂનાગઢ મનપાની ચૂંટણી પૂર્ણ થાય તેવી શકયતા પ્રબળ છે.