જૂનાગઢઃ આગામી 5થી 8 માર્ચ એમ કુલ 4 દિવસ સુધી ગિરનારમાં મહાશિવરાત્રીના મેળો યોજાશે. આ મેળામાં પ્લાસ્ટિકની તમામ ચીજ વસ્તુઓને પ્રતિબંધિત કરાઈ છે. પ્લાસ્ટિકના પ્રદૂષણને લીધે ગિરનાર ખૂબ જ પ્રદૂષિત બન્યો છે. રાજ્યની વડી અદાલતે પણ પ્લાસ્ટિક પ્રદૂષણ સંદર્ભે ખૂબ જ ગંભીર વલણ અપનાવવામાં આવ્યું છે. ગિરનાર ક્ષેત્રમાં આયોજિત મેળામાં કોઈપણ ભાવિ ભક્તો પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ લઈને ન આવે તેવી વન વિભાગે પ્રત્યેક ભાવિકોને વિનંતી કરી છે.
3 ટીમોની રચનાઃ ગિરનાર વિસ્તારમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનું પ્રદુષણ ન થાય તે માટે વન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અને અધિકારીઓની 3 ટીમો બનાવવામાં આવી છે. જે ગિરનારની નવી અને જૂની તેમજ દાતાર પર્વતની સીડી પર પ્લાસ્ટિકના પ્રદૂષણ ને અટકાવવા માટે ચેકિંગ કરશે. ગિરનાર પરીક્ષેત્રમાં 3 મોબાઈલ ટીમો દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક સતત પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવી શકાય તે માટે પ્રત્યેક ભાવિકોની તપાસ કરવામાં આવશે. તેમ છતાં કોઈ પણ ભાવિ ભક્તો પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે મેળામાં આવતા જોવા મળશે તો તેમના વિરુદ્ધ પણ વન વિભાગ દંડનીય કાર્યવાહી પણ કરશે.
અલગથી કચરાપેટીઃ મહા શિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં જે કચરાપેટી સ્થાયી રાખવામાં આવી છે તે સિવાય મેળા વિસ્તાર અને અલગ અલગ જગ્યા પર 250 કરતાં વધુ કચરાપેટીની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સિવાય મેળામાં આવનાર પ્રત્યેક ભાવિકોની સંખ્યાને ધ્યાને રાખીને હિન્દી, અંગ્રેજી ગુજરાતી અને મરાઠી ભાષામાં બેનર્સ લગાડવામાં આવ્યા છે. જેમાં પ્લાસ્ટિક પ્રતિબંધ હોવાની સૂચના દર્શાવાઈ છે.
દત્તાત્રેયના દર્શન માટે મરાઠી ભકતો વધુ આવે છે. તેથી પ્લાસ્ટિક પ્રતિબંધ છે તેવી સૂચના દર્શાવતા બેનર્સ મરાઠી ભાષામાં પણ લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત 3 ટીમો જે ગિરનારની નવી અને જૂની તેમજ દાતાર પર્વતની સીડી પર પ્લાસ્ટિકના પ્રદૂષણ ને અટકાવવા માટે ચેકિંગ કરશે...અક્ષય જોષી(ડી.સી.એફ., જૂનાગઢ)