જૂનાગઢ: શિયાળાની ઋતુમાં શરીર માટે શ્રેષ્ઠ અને આયુર્વેદિક ખોરાક તરીકે માનવામાં આવે છે તેવા વિવિધ પાકો આરોગવાની પણ એક વિશિષ્ટ પરંપરા જોવા મળે છે. આ મુજબ શિયાળામાં કુંવારપાક ખાવાની પણ એક વિશેષ પરંપરા જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં છેલ્લા ચાર પેઢીથી સતત જોવા મળે છે. સરદાર ગઢના રાજવીએ કુવારપાકનો સ્વાદ ચાખ્યા બાદ તેને બનાવનાર વ્યક્તિને આખું મોદી ખાનું સુપ્રત કરીને કુંવારપાકને માન અને સન્માન આપ્યું હતું. આજે પણ એજ પરંપરા અને પદ્ધતિ અનુસાર માણાવદરના નટુભાઈ કુંવારપાક બનાવી રહ્યા છે.
શિયાળાના ખોરાક તરીકે કુંવારપાક: શિયાળાની ઋતુને આયુર્વેદિક ઔષધિઓ સાથે બનાવવામાં આવતા પાકને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે રીતે શિયાળામાં દેશી ઓસડીયા સાથેના પાકો બની રહ્યા છે તે જ રીતે શિયાળા દરમિયાન તેને આરોગવાની પણ એક વિશેષ પરંપરા જોવા મળે છે. છેલ્લા ચાર પેઢીથી જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરના નટુભાઈ આજે પણ પરંપરાગત રીતે કુંવારપાક બનાવી રહ્યા છે. તેમના દાદા પરદાદાના સમયમાં સરદાર ગઢના રાજવીઓએ પ્રથમ વખત કુવાર પાકનો સ્વાદ માણ્યો હતો ત્યારે તેમણે નટુભાઈના દાદા પરદાદાને આખું મોદી ખાનું સુપ્રત કરીને કુંવારપાકને એક વિશેષ સન્માન આપ્યું હતું. ચોથી પેઢીથી સતત બનતી આવતી કુંવારપાકની આ પરંપરા આજે પણ જેમની તેમ જોવા મળે છે. જેના ચાહકો અને સ્વાદના શોખીનો શિયાળા દરમિયાન કુંવારપાક મેળવીને શિયાળાના આયુર્વેદિક ઔષધીય પાકને આરોગી રહ્યા છે.
કુંવારપાક બનાવવાની વિધિ: કુંવારપાક દૂધ, કુંવારપાઠુ, શુદ્ધ દેશી ઘી અને ખાંડના મિશ્રણથી બનાવવામાં આવે છે. પ્રથમ એક કલાક માત્ર દૂધને ઉકાળીને ત્યારબાદ તેમાં છાલ કાઢીને ચોખ્ખા કરવામાં આવેલા અંદાજિત એક થી દોઢ કિલો કુંવારપાઠાને ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તેને ખૂબ ગરમ કરીને ઘટ્ટ રબડી જેવું દૂધ તૈયાર કરવામાં આવે છે. જેને ફરી એકાદ કલાક સુધી ખૂબ જ ઉકાળીને માવાનું રૂપ આપવામાં આવે છે. દૂધ અને કુવારપાઠુ માવાનું સ્વરૂપ ધારણ કરી લે ત્યારબાદ તેમાં એકથી દોઢ કિલો શુદ્ધ દેશી ઘી ઉમેરવામાં આવે છે. જેને ફરી એક વખત ગરમ કરીને અલગ વાસણમાં કાઢવામાં આવે છે. ત્યારબાદ એક તારની ચાસણી બનાવીને ફરીથી કુંવારપાકને તેમાં ગરમ કરવામાં આવે છે. થોડો સમય સુધી આ પ્રકારે રાખ્યા બાદ તેને અલગ વાસણમાં ઢાળી દેવામાં આવે છે. અને એકથી બે કલાક બાદ તેના ચોસલા પાડીને તેનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે.
શિયાળાના ચાર મહિના બને છે કુંવારપાક: આમ, શિયાળાના ચાર મહિના દરમિયાન માણાવદરમાં કુંવારપાક બનતો જોવા મળે છે. મુખ્યત્વે ડિસેમ્બર અને જાન્યુઆરીના મહિનામાં ઠંડીના અતિ પ્રમાણમાં કુંવારપાક વિશેષ પ્રમાણમાં બનતો હોય છે. ચાર મહિના દરમિયાન અંદાજિત 350 થી 400 કિલો જેટલો કુંવારપાક વેચાય છે. શરૂઆતના વર્ષોમાં પ્રતિ એક કિલો કુવાર પાકની કિંમત 220 રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ આજે દૂધ સહિત અન્ય ચીજ વસ્તુઓના બજાર ભાવ સતત વધી રહ્યા છે જેને કારણે આજે 760 રૂપિયા પ્રતિ 1 kg કુંવારપાક વહેંચાઈ રહ્યું છે. કુંવારપાકના પરંપરાગત ગ્રાહકો આજે પણ જોવા મળે છે. શિયાળા દરમિયાન 100 જેટલા ગ્રાહકો આજે પણ નિયમિત કુંવારપાક ખરીદી રહ્યા છે. કેટલાક ગ્રાહકો ગુજરાતની બહાર છે તેઓ પણ શિયાળા દરમિયાન કુરિયર મારફતેથી કુંવારપાક માંગવી રહ્યા છે.
સ્ત્રીઓ સંબંધી રોગોમાં કુવારપાઠું અસરકારક: આરોગ્યની દ્રષ્ટિએ આયુર્વેદિક ખોરાક તરીકે માનવામાં આવતા કુંવારપાકના લાભાલાભ વિશે સરકારી આયુર્વેદિક કોલેજના ગાયનેક વિભાગમાં ફરજ નિભાવતા ડૉ. કૃપા એ ઈટીવી ભારતને વિશેષ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "કુવારપાઠાને સ્ત્રીઓ સંબંધી રોગોમાં અસરકારક માનવામાં આવે છે. કુવારપાઠાનું સ્વાદ અતિ કડવો અને ન ગમે તેવો હોય છે, જેથી શિયાળામાં પાકના સ્વરૂપમાં કુવારપાઠાને લેવામાં આવે છે. મહિલાઓની માસિક ધર્મની સમસ્યા કુવારપાઠાના સેવનથી નિયંત્રિત બનતી હોય છે."
આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનો: તેમણે વધુમાં જણાવ્યું કે, "શિયાળા દરમિયાન કોઈપણ પ્રાણીની પાચન શક્તિ ખૂબ તીવ્ર બનતી હોય છે, જેથી પચવામાં ભારે કુંવારપાક શિયાળામાં ખાવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. વધુમાં કુવારપાઠાથી આંતરડા ચોખ્ખા થતા હોય છે. કુવારપાઠાને લીવરનું ટોનિક પણ માનવામાં આવે છે. જેથી શરીરના આંતરિક અંગો માટે પણ તે લાભકારક બની શકે છે. શરીરના બાહ્ય ઉપયોગમાં ચામડી અને વાળને લીસા અને ચમકાવવા માટે પણ સીધો કુંવારપાઠાનો ઉપયોગ થાય છે. વધુમાં દાઝીયા પર કુવારપાઠા લગાવવાથી ખૂબ ઝડપથી તેમાં રાહત અનુભવાય છે. આ રીતે કુંવારપાઠાનો ઉપયોગ લોકલ અને ઇન્ટર્નલ અંગો માટે પણ કરવામાં આવે છે."
આ પણ વાંચો: