જૂનાગઢ : ફરી એક વખત જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે. પંદર દિવસ બાદ આજે ફરી એક વખત જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. જેને લઈને જૂનાગઢ શહેરના મોટાભાગના માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા.
વિરામ બાદ રી-એન્ટ્રી : જૂનાગઢ શહેરમાં 15 દિવસ બાદ ફરી એક વખત ધોધમાર વરસાદનું આગમન થયું છે. આજે બપોરના બે વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેરમાં 35 mm વરસાદ નોંધાયો છે. વહેલી સવારે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે વરસાદના પાણી જૂનાગઢ શહેરના માર્ગો પરથી વહેતા થયા હતા. પંદર દિવસ બાદ પડેલા વરસાદને કારણે જૂનાગઢ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
પાણી વહેતા થયા : ગઈકાલે અસહ્ય અને શરીરને દઝાડે તેવા તાપની વચ્ચે આજે ધોધમાર વરસાદ જૂનાગઢવાસીઓ માટે રાહતના સમાચાર લઈને આવ્યો હતો. વરસાદ પડવાથી મોટાભાગના વિસ્તારમાં વરસાદનું પાણી વહેતું થયું જોવા મળ્યું હતું. જેને કારણે સમગ્ર જૂનાગઢ શહેરમાં ઠંડકનું એક મોજું પણ પ્રસરી ગયું છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.
સોમનાથ જિલ્લામાં વરસાદ : પાછલા 24 કલાકથી જૂનાગઢની સાથે સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢના વંથલીમાં 63 mm વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં 30 mm વરસાદ નોંધાયો છે.
સિઝનનો સરેરાશ વરસાદ : જૂનાગઢ જિલ્લામાં વર્તમાન ચોમાસાનો સરેરાશ વરસાદ 25 ઇંચની આસપાસ નોંધાઈ ચૂક્યા છે. તેવી જ રીતે સોમનાથ જિલ્લામાં પણ વર્તમાન ચોમાસાનો સરેરાશ વરસાદ 17 ઇંચની આસપાસ નોંધાયો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઈને પણ આગામી દિવસોમાં જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં વરસાદનું આગમન થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.