જૂનાગઢ : ભાદરવો ભરપૂર થયો હોય એ તે પ્રકારનો માહોલ આજે જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર જોવા મળ્યો હતો. બપોરના સાડા ત્રણ વાગ્યે શરૂ થયેલા વરસાદના બે કલાક બાદ ગિરનાર પર્વત અને જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણીથી ભરેલા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે. નોંધનીય છે કે, બે કલાકમાં ગિરનાર પર્વત પર 6 ઈંચ અને જૂનાગઢ શહેરમાં 4 ઇંચ આસપાસ વરસાદ પડ્યો હતો. જેના કારણે ગિરનાર અને ભવનાથ તળેટીથી લઈને જૂનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારો બે કલાક સુધી જળબંબાકાર બન્યા હતા.
ગિરનાર પર્વત પર નદી વહેતી થઈ : ગિરનાર પર્વત પર બે કલાકમાં અનરાધાર છ ઇંચ જેટલો વરસાદ પડતા ગિરનાર પર્વત પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ધોધમાર વરસાદની વચ્ચે ગિરનાર પર્વતની સીડી પરથી જાણે કે નદી પ્રવાહિત થઈ હતી. તેની વચ્ચે કેટલાક શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પરથી નીચે ઉતરી રહ્યા હતા. ગિરનાર પર્વત પર પડેલા અતિભારે વરસાદને કારણે ભવનાથમાં આવેલા ભારતી આશ્રમ મંદિર અને ઓફિસમાં પણ ત્રણ-ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. સાથે જ સ્ફટિકના શિવ મંદિરમાં પણ છત સુધી પાણી ભરાયેલા જોવા મળતા હતા. ભવનાથમાં પાર્ક કરેલા 50 થી 60 સ્કુટર અને કેટલીક કારોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયું હતું.
રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા : ગત વર્ષે પણ જૂન મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે પણ આ જ પ્રકારે ભવનાથમાં પાણીનો પ્રવાહ જોવા મળતો હતો. પરંતુ આ વખતે ભાદરવા મહિનામાં માત્ર બે કલાક અને છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે આવનારા વર્ષો માટે ખૂબ જ ચિંતાનો વિષય પણ બની શકે છે. બીજી તરફ જૂનાગઢ શહેરના ઓઘળનગર અને પુનિતનગર વિસ્તારમાં પણ પાણી ભરાયેલું જોવા મળતું હતું. જેના કારણે લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયાના સમાચાર પણ મળી રહ્યા છે.
માંગનાથ બજારમાં જળબંબાકાર : ભારે વરસાદના કારણે જૂનાગઢની સૌથી જૂની અને મોટી માંગનાથ બજારના કેટલાક વ્યાપારિક સંકુલોમાં વરસાદી પાણી ઘૂસી ગયું હતું. જેના કારણે દુકાનદારોને પણ નુકસાનની સાથે અનેક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. માંગનાથ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે ગટરના પાણીનો નિકાલ બંધ થયો હતો. તમામ વરસાદી પાણી માર્ગ પરથી વહેતું થતાં વ્યાપારિક કોમ્પલેક્ષમાં પાણી ઘૂસી ગયું હતું. જૂનાગઢ મનપા તંત્ર દ્વારા મોટર મૂકીને પાણી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
સુદર્શન તળાવ છલોછલ : ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ગિરનાર પર્વત પરથી આવી રહેલું પાણી ભવનાથ મંદિર પાછળ સુદર્શન તળાવમાંથી ભારતી આશ્રમમાં આવી ગયું હતું. અતિભારે વરસાદને કારણે સુદર્શન તળાવ છલોછલ થતા તે પાણી ભારતી આશ્રમમાંથી થઈને બહાર નીકળ્યું હતું. જેના કારણે આશ્રમમાં આવેલા 50 કરતાં વધુ બાઈક અને કેટલીક કારોને નુકસાન થયું છે.
સ્થાનિક વેપારીઓની માંગ : માંગનાથ વેપારી એસોસિએશનના મંત્રી હિતેશ સંઘવીએ જણાવ્યું કે, વેપારીઓને આ વિકટ પરિસ્થિતિ અને મહામુશ્કેલીએ પસાર થવાનો સમય આવ્યો છે. આ વિસ્તારમાં ચાલી રહેલા ગટરનું કામ માંગનાથ બજારને ડુબાડુબા કરી ગયું. મનપા પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે ખૂબ જ ઝડપથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ પૂરું થાય, જેથી આવનારા દિવસોમાં વરસાદ પડે તો બજારમાં અને ખાસ કરીને વ્યાપારિક સંકુલોમાં પાણી ન ઘૂસે. આજે જે વરસાદી પાણી કપડાની દુકાનોમાં ઘૂસી ગયું છે જેને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન પણ થયું છે.