જૂનાગઢઃ ગિરનાર પર્વત અને સમગ્ર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ સંપૂર્ણપણે દૂર થાય તે માટે રાજ્યની વડી અદાલતમાં એક મામલો વિચારાધીન છે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ગિરનાર અભયારણ્ય અને પર્વત વિસ્તારમાં પ્લાસ્ટિકની તમામ ચીજ વસ્તુઓ ઉપર પ્રતિબંધ લગાવતો આદેશ કર્યો છે. ગિરનાર આવતા પ્રવાસીઓ અને અહીંના નાના વેપારીઓ હાઇકોર્ટે જે આદેશ કર્યો છે તેનું પાલન કરીને પ્લાસ્ટિકમાં મળતી તમામ ચીજ વસ્તુઓનું વેચાણ અને ખરીદી બંધ કરી છે. જો કે તેના વિકલ્પમાં વેપારીઓને કોઈ વિકલ્પ મળે અને ધંધા રોજગાર ચાલી શકે તે માટેની વ્યવસ્થાની માંગણી પણ થઈ રહી છે.
નાના વેપારીઓ દ્વારા વિનામૂલ્યે પાણી વિતરણઃ ગિરનાર પર્વત પર સિંગલ યુઝ પ્લાસ્ટિકની પ્રતિબંધ શ્રેણીમાં આવતી પાણી અને ઠંડા પાણીની પ્લાસ્ટિકની બોટલ સહિત તમામ ચીજ વસ્તુઓનું વેચાણ બંધ છે. ગિરનાર પર્વત પર આવતા પ્રવાસીઓને પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગિરનાર પર્વત પર નાના વેપારીઓએ હવે વિનામૂલ્યે પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. જેને યાત્રાળુઓ પણ આવકારી રહ્યા છે. જો કે આ સંદર્ભે કોઈ કાયમી નિરાકરણ આવે અને વેપારીઓ સરકાર દ્વારા સૂચવવામાં આવેલી ચીજ વસ્તુઓમાં પીવાનું પાણી અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓ વેચી શકે તેવી માંગણી વેપારીઓ અને પ્રવાસીઓ કરી રહ્યા છે.
પ્રવાસીઓએ પ્લાસ્ટિક ફ્રી અભિયાનને આવકાર્યુ: ગિરનાર પર્વત પર આવેલા ઉત્તર પ્રદેશના યુવાન પ્રવાસીએ પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર થાય તે માટે જે કાર્યવાહી થઈ રહી છે તેને આવકારી છે. પ્લાસ્ટિકનું પ્રદૂષણ દૂર થાય તે માટે સૌએ પ્રયાસ કરવા જોઈએ પરંતુ ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળી રહે તે માટેની કોઈ મજબૂત વ્યવસ્થા પણ થવી જોઈએ તેવી માંગ પણ તેમણે કરી છે. તેમને આજે ગિરનાર પર્વત પર છૂટું વહેંચાતું પાણી ખરીદીને ગિરનારની તીર્થયાત્રા પૂર્ણ કરી છે.
હું પ્રવાસીઓને વિનામૂલ્યે પાણીની સેવા પૂરી પાડું છું. વેપારીઓેને આ ના વેચવું તે ના વેચવું તેવા નિયમો કરવામાં આવે છે. તો પ્રવાસીઓ અને વેપારીઓ શું કરે. પાણી જેવી જીવનજરુરિયાત વસ્તુના વેચાણ માટે તો સરકારે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ...દેવજીભાઈ (વિનામૂલ્યે પાણીની પરબ ચલાવનાર, ગિરનાર)
પ્લાસ્ટિકની બોટલમાં મળતું પાણી બંધ કર્યુ જેનાથી પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટશે તે આવકાર્ય છે, પરંતુ ખરીદીને પાણી પીવું તેના કરતા સરકારે પ્રવાસીઓ માટે પીવાના પાણીની કંઈક નક્કર વ્યવસ્થા કરવી રહી...દીપ(પ્રવાસી, ઉત્તર પ્રદેશ)