જૂનાગઢ : ગણપતિ ઉત્સવની ધામધૂમ સાથે શરુઆત થઈ છે. ત્યારે જૂનાગઢના ગાંધી ચોક સ્થિત હિન્દુ મુસ્લિમ રિક્ષા ડ્રાઇવર દ્વારા કોમી એકતાના પ્રતિકરૂપે કોમી એકતા ગણપતિનું સ્થાપન કર્યું છે. અહીં દરરોજ હિન્દુ મુસ્લિમ રિક્ષા ડ્રાઇવર દ્વારા ગણપતિ મહારાજની સેવા પૂજા પણ કરવામાં આવે છે.
કોમી એકતા ગણપતિ : ગણપતિ ઉત્સવ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. શનિવારે ગણેશ ચતુર્થીના દિવસે જૂનાગઢના ગાંધીચોક સ્થિત રિક્ષા ડ્રાઇવર એસોસિએશન દ્વારા કોમી એકતાના પ્રતિક રૂપે કોમી એકતા ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.
રિક્ષાચાલકો દ્વારા આયોજન : રીક્ષા ડ્રાઈવરોએ ખૂબ ઉત્સાહભેર ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજનું સ્થાપન કરીને સર્વ ધર્મ સમભાવ અને કોમી એકતાનું વાતાવરણ ઊભું થાય તે માટે ખાસ પ્રયાસ કર્યો છે. અહીં ગણપતિ મહારાજનું સ્થાપન કરી દરરોજ સવારે અને સાંજે રીક્ષા ડ્રાઈવરો દ્વારા ગણપતિ મહારાજની પૂજા આરતી અને પ્રસાદનું આયોજન પણ કરાય છે.
કોમી એકતા માટે પ્રયાસ : રીક્ષા ડ્રાઈવર એસોસિએશન દ્વારા સમાજમાં કોમી એકતાનું વાતાવરણ પ્રસ્થાપિત થાય તે માટે પાછલા બે વર્ષથી ગાંધી ચોકમાં કોમી એકતાના પ્રતિક રૂપે ગણપતિનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે. ગાંધી ચોકથી જૂનાગઢ શહેરના મોટાભાગના લોકો પસાર થાય છે. જાહેર પ્રવાસન માધ્યમ માટેનું પણ આ સ્ટોપ માનવામાં આવે છે.
ઉમદા આશય સાથે પહેલ : ગાંધી ચોકથી ખૂબ મોટી સંખ્યામાં લોકોની આવન જાવન થતી હોય છે. અહીંથી પસાર થતા લોકો કોમી એકતાનું એક પ્રતીક જોઈને ખુદ પણ તમામ ધર્મ વચ્ચે સદભાવના સ્થપાય અને તમામ ધર્મનું સન્માન જળવાય તે માટેનો એક સંદેશો મેળવે, તે માટે હિન્દુ મુસ્લિમ રિક્ષા ડ્રાઇવરો દ્વારા કોમી એકતા ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.