જૂનાગઢ: દેવ ઉઠી અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની ગોદમાં પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન આદી અનાદિ કાળથી થતું આવ્યું છે. પરંતુ આધુનિક યુગમાં પ્લાસ્ટિક પ્રદુષણને કારણે વિવિધ અભયારણ્યો અને જંગલ વિસ્તારની સાથે પ્રાણીઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. જેને ધ્યાને રાખીને હાઈકોર્ટે અભયારણ્યોને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત બનાવવાને લઈને તાકીદ કરી છે. તેને અનુલક્ષીને ગિરનારની લીલી પરિક્રમા પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત થાય તે માટે વન વિભાગે તૈયારી શરૂ કરી છે. વન વિભાગના કર્મચારીઓની બનેલી ખાસ તપાસ ટીમો સમગ્ર પરિક્રમના માર્ગ અને સમય દરમિયાન પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ કે જે અભયારણ્યમાં પ્રતિબંધિત છે તે કોઈપણ વ્યક્તિ સાથે લઈને જશે તો તેની તપાસ કરીને જે તે વ્યક્તિ પાસેથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ થાય તેવી તમામ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવશે.
અન્નક્ષેત્રો પાસેથી લેવાશે લેખિત બાહેધરી
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં દર વર્ષે અંદાજિત 10 થી 15 લાખ લોકો પાંચ દિવસ દરમિયાન આવતા હોય છે. ત્યારે આ લોકોને ભોજન-પ્રસાદ માટે પરિક્રમા માર્ગ પર અન્નક્ષેત્રો ધમધમતા હોય છે. આ વખતે અન્નક્ષેત્રો પાસેથી પણ પ્લાસ્ટિકનું પ્રદૂષણ નહીં થાય તેવી લેખિતમાં બાંહેધરી સાથે તેમને અન્નક્ષેત્રો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં પરિક્રમાના માર્ગ પર નાના ધંધાર્થીઓ રોજી રોટી કમાતા હોય છે. પરંતુ તેઓ દ્વારા પ્લાસ્ટિકનું પ્રદૂષણ કરવામાં આવતું હોય છે. આવી પરિસ્થિતિમાં જે નાના ધંધાર્થીઓ છે કે જે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ વહેંચે છે અથવા તો વેચાણ કરવા માટે પ્લાસ્ટિકની કોથળીઓમાં ચીજોનું પેકિંગ કરે છે, આવા એકપણ ધંધાર્થીઓને આ વખતે પરિક્રમાના માર્ગ પર કે ગિરનાર અભયારણ્યમાં પોતાના ધંધા શરૂ કરવા માટે સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.
વિવિધ એનજીઓ NSS અને NCC ની પણ લેવાશે સેવા
દર વર્ષે પરિક્રમા દરમિયાન વિવિધ એનજીઓ લોકોને પ્લાસ્ટિકના બદલામાં કાપડની થેલીનું વિનામૂલ્ય વિતરણ કરે છે. આવી તમામ એનજીઓની આ વખતે પણ મદદ લેવાશે, અને વધુમાં NSS અને NCC જેવી સંસ્થા પણ પ્લાસ્ટિકનું પ્રદૂષણ દૂર થાય તે માટે સેવા આપવામાં પહેલ કરશે તો વન વિભાગ તેની સેવા લેવા માટે પણ તત્પર છે. વધુમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ પરિક્રમા દરમિયાન ગિરનાર અભયારણ્ય કે પરિક્રમાના માર્ગ પર ન લાવવાને લઈને પણ વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે.
એજન્સી દ્વારા પરિક્રમાના રૂટ પર સફાઈનું ધ્યાન રખાશે
આ ઉપરાંત પરિક્રમાના સંપૂર્ણ માર્ગ પર નિર્ધારિત સ્થળોએ કચરાપેટી રાખવાની સાથે આ વખતે પ્રથમ વખત પરિક્રમાના માર્ગ પ્લાસ્ટિક પ્રદૂષણ કે અન્ય કચરાથી મુક્ત રાખી શકાય તે માટે એજન્સી રાખીને સમગ્ર પરિક્રમા દરમિયાન દરરોજ પરિક્રમા માર્ગ અને અભયારણ્યમાં સફાઈ થાય તે માટેનું આયોજન પણ વન વિભાગ રાખી રહ્યું છે. આ સિવાય પરિક્રમાના માર્ગ અને ગિરનાર અભયારણ્યમાં વન વિભાગની બનેલી ટાસ્ક ફોર્સની ટીમો પણ સતત તહેનાત કરવામાં આવશે. જેથી પરિક્રમા અને ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં કોઈ પણ પ્રકારના કચરાને તુરંત દૂર કરી શકાય અને આવા કચરાને ફેલાતો કે થતો અટકાવવા માટે પણ વન વિભાગે તમામ શક્તિઓ કામે લગાડીને આ વખતની પરિક્રમા સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત થાય તે દિશામાં કામગીરી શરૂ કરી છે.
આ પણ વાંચો: