જૂનાગઢ : પાછલા ત્રણ દિવસથી જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે. જેને કારણે જૂનાગઢ જિલ્લામાં ઘેડ વિસ્તારના 18 ગામો ભાદર, ઓઝત અને પોરબંદરની મધુવંતી નદીના પૂરના પાણીથી જળબંબાકાર બની રહ્યા છે. પાછલા ત્રણ દિવસથી ઓસા ફૂલરામાં બામણાસા ઘેડ સહિત 18 ગામોના લોકો કમર ડૂબ પાણીમાં જીવન વિતાવી રહ્યા છે. આ ગામના યુવાનો ટ્રેક્ટર અને છકડો રીક્ષાની મદદથી દૈનિક જીવન જરૂરિયાતની ચીજો મેળવી રહ્યા છે.
ઘેડના 18 ગામ જળબંબાકાર : અતિ ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં ઘેડ વિસ્તારના 18 ગામો ભાદર, ઓઝત અને પોરબંદરની મધુવંતી નદીના પૂરના પાણીથી જળબંબાકાર બની રહ્યા છે. પાછલા ત્રણ દિવસથી ઓસા ફૂલરામાં બામણાસા ઘેડ સહિત 18 ગામોના લોકો કમર ડૂબ પાણીમાં જીવન વિતાવી રહ્યા છે.
![વગર વરસાદે પૂરની સ્થિતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2024/22332868_2_aspera.jpg)
વગર વરસાદે પૂરની સ્થિતિ : જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારના ગામ લોકો પાછલા ત્રણ દસકાથી ચોમાસા દરમિયાન મોટેભાગે વગર વરસાદે પૂરની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જેની પાછળ ઓજત નદીને કારણભૂત માનવામાં આવે છે. નદી પર સતત અતિક્રમણ થઈ રહ્યું છે, વધુમાં નદીને પહોળી અને ઊંડી કરવાનું કામ પણ કેટલાક દસકાથી થયું નથી. આવી પરિસ્થિતિમાં ઓઝત નદીની વરસાદી પાણીનો સંગ્રહ કરવાની શક્તિમાં દર વર્ષે ઘટાડો થાય છે. જેના કારણે નદીના પાણી પટમાં આવતા ગામોમાં ફેલાય છે. ઘેડ વિસ્તાર પાછલા ત્રણ દસકાથી વગર વરસાદે પૂરમાં ફસાતો જોવા મળે છે.
![ઘેડના 18 ગામ જળબંબાકાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2024/22332868_3_aspera.jpg)
વિકટ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ : ઘેડ વિસ્તારના મોટાભાગના ગામો આજે કમર ડૂબ પાણીમાં ડૂબાડૂબ જોવા મળે છે. જેને કારણે સૌથી વિકટ પરિસ્થિતિ પશુધન અને મહિલા-બાળકો માટે થતી હોય છે. આવી પરિસ્થિતિમાં ઘેડ વિસ્તારના ગામના યુવાનો ટ્રેક્ટર અને છકડો રીક્ષા મારફતે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સાથે પશુઓ માટે ઘાસચારો લાવીને પૂરની સ્થિતિમાં મુંગા પશુઓની સાથે મહિલા અને બાળકોની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે.
![વિકટ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2024/22332868_1_aspera.jpg)
"ઘેડને ડૂબતું બચાવો" : વધુમાં કોઈ કારણોસર આ વિસ્તારમાંથી બહાર જવાનું થાય તેવી સ્થિતિમાં પણ ગામ લોકો સૌથી સુરક્ષિત એવા ટ્રેક્ટરનો સહારો લઈને પોતાની દિનચર્યા અને જરૂરિયાત મુજબના કામો પૂરા કરી રહ્યા છે. ગામ લોકો પાછલા ત્રણ દશકાથી ઘેડને પૂરથી બચાવવા માટે સરકાર સમક્ષ આજીજી કરી રહ્યા છે. પરંતુ આજદિન સુધી આ સમસ્યા હલ થઈ નથી.