જૂનાગઢઃ "મિત્ર એસા કીજીયે ઢાલ સરીખા હોય, સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય" મિત્ર અને દોસ્તો માટે આ ઉક્તિ પ્રખ્યાત છે. જો કે મિત્ર જ સુખને બદલે દુઃખ આપે તો આ ઘા કદાપિ ના રુજાય. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં બન્યો છે. મેંદરડા તાલુકાના રાજસર ગામમાં સોની જીતુભાઈ લોઢીયા રહે છે. તેમના ઘરે તેમનો મિત્ર દીપકભાઈ જોટીયા 2 અજાણ્યા ઈસમો સાથે આવ્યો, 81 લાખથી વધુ મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયો. મેંદરડા પોલીસે સત્વરે આ કેસમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર ઘટનાક્રમઃ મેંદરડાના રાજસર ગામે જીતુ લોઢીયા નામક સોની વેપારી રહે છે. બનાવના દિવસે સોની કામ કરતો અને જીતુ લોઢીયાનો મિત્ર દીપક જોટીયા જીતુ લોઢીયાના ઘરે આવ્યો. દીપક જોટીયા સાથે અન્ય 2 અજાણ્યા ઈસમો પણ હતા. જીતુ લોઢીયાના ઘરે તેમના 1 ભાઈ પણ હાજર હતા. ઘરે 3 મહેમાનો આવ્યા હોવાથી જીતુ લોઢીયાએ ચા-પાણીની સગવડ કરી. ચા-નાસ્તા બાદ મહેમાનોના સ્વાંગમાં આવેલા લૂંટારાઓએ અસલી રંગ દેખાડ્યો. લૂંટારાઓએ જીતુ લોઢીયા અને તેના ભાઈને ટુવાલના ટુકડાંથી હાથ-પગ અને મોં બાંધી દીધા. ઘરમાં પડેલ 8 સોનાના બિસ્કિટ, 21 કિલો ચાંદી અને 9 લાખ રોકડા રુપિયા લઈને દીપક જોટીયા અને તેના 2 સાથી દારો ફરાર થઈ ગયા હતા.
પોલીસ કાર્યવાહીઃ જીતુ લોઢીયાએ આ ઘટના સંદર્ભે મેંદરડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ એસઓજી, એલસીબી, ફોરેન્સિક અને ડોગ સ્કવોર્ડ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી. આરોપીઓને ઝબ્બે કરવા પોલીસે સમગ્ર ગુજરાતમાં નાકાબંધી કરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે.
ગઈ કાલે રાત્રિના સમયે આરોપી દીપક જોટીયા અને 2 અજાણ્યા ઈસમો જીતુ લોઢીયાના ઘરે ચા પીવા માટે પહોંચ્યા હતા. ચા નાસ્તો પૂર્ણ થયા બાદ ત્રણેય આરોપીઓએ જીતુ લોઢીયા અને તેના ભાઈ પર હુમલો કરીને તેમનાજ ઘરમાં બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ ઘરમાં રહેલા 8 સોનાના બિસ્કિટ, 21 કિલો ચાંદી અને 9 લાખ રોકડ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની ફરિયાદ નોંધાતા જૂનાગઢ એસોજી, એલસીબી, ફોરેન્સિક સાયન્સ અને ડોગ્સ સ્ક્વોડ સહિતની ટીમો કામે લાગી છે. પોલીસે સમગ્ર રાજ્યમાં નાકાબંધી કરી છે...ડી. વી. કોડીયાતર (ડીવાયએસપી, જૂનાગઢ)