જૂનાગઢ : રાજ્યવ્યાપી ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાછલા 24 કલાકથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જ્યાં નજર પડે ત્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અતિભારે વરસાદને કારણે જૂનાગઢ શહેર સહિત જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : જૂનાગઢ જિલ્લાની ઓજત સહિતની મોટી નદીઓ અને તાલુકાની સ્થાનિક નદીની સાથે નાના-મોટા તમામ જળાશયો વરસાદી પાણીમાં છલીને ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યા છે. આણંદપુર સાપુર અને વંથલી વિયર ડેમ, બાંટવાનો ખારો, માળિયા નજીક આવેલ ભાખરવડ ડેમ અને મધુવંતી ડેમ સહિત તમામ નાના-મોટા જળાશયો અને સરોવરોની સાથે નદીઓ પણ વરસાદી પાણીથી ભરાઈને છલોછલ વહેતી જોવા મળે છે.
અતિભારે વરસાદનું રેડ એલર્ટ : આગામી 24 કલાક સુધી હજુ પણ જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેને કારણે જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા જોવાય રહી છે. આજે પડેલા અતિભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના નાના-મોટા અને આંતરિક ગામોને જોડતા 40 કરતા વધારે માર્ગો પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બંધ જોવા મળે છે.
જનજીવનને અસર પહોંચી : આજે પડેલા અતિભારે વરસાદને કારણે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના કુતિયાણા, માણાવદર, વંથલી, કેશોદ અને માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારના 50 કરતાં વધારે ગામો પર વરસાદી પૂરનું પાણી ફરી વળ્યુ છે. જેના કારણે ચોમાસામાં બીજી વખત ઘેડ વિસ્તારના ગામો પર પૂરના પાણી ફરી વળતા જળબંબાકાર બન્યા છે.