જૂનાગઢ : આજે છત્રપતિ મહારાજ શિવાજી જન્મ જયંતી છે. ત્યારે જૂનાગઢમાં પાછલા ઘણા વર્ષોથી ચિત્રકલા સાથે સંકળાયેલા યુવાન ચિત્રકાર ઈરફાને છત્રપતિ મહારાજને ચિત્રના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી છે. પાછલા ઘણા વર્ષોથી જૂનાગઢમાં ચિત્રકલાની સાથે રંગોળીની કલા સાથે સંકળાયેલા ઈરફાને યુવાન કલાકારોને કલા વારસામાં માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે.
શિવાજી મહારાજની અદ્ભુત રંગોળી : ચિત્રકાર ઈરફાન પોતે રાજેન્દ્ર ડીંડોલકર પાસેથી ચિત્ર પેઇન્ટિંગ અને રંગોળીની કલા શીખ્યા છે, જે હાલ વડોદરામાં કામ કરે છે. પરંતુ ઇરફાન જૂનાગઢના યુવાન કલા રસીકોને પોતાની કલા અને આવડતના માધ્યમથી અલગ અલગ પ્રકારનો કલા વારસો પ્રસ્તુત કરીને ભારતની આ પ્રાચીનતમ કલાને આજે જીવંત રાખી રહ્યા છે.
જૂનાગઢના ચિત્રકાર ઈરફાન : સામાન્ય રીતે ચિરોડી કલરથી બનતી રંગોળી દિવાળીના દિવસો દરમિયાન ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. પરંતુ આ વખતે પ્રથમ વખત દિવાળીના દિવસો સિવાય અને ખાસ કરીને કેનવાસ બોર્ડ પર રંગોળી કરવાનો પ્રયાસ થયો છે. અત્યાર સુધી હાર્ડ બોર્ડ પર ચિરોડી કલરથી રંગોળી કરવામાં આવતી હતી. પરંતુ કેનવાસ બોર્ડ પર રેફરલ ઇમેજ તૈયાર કરીને તેના પર કલર કરવાથી બિલકુલ આબેહૂબ ચિત્ર રંગોળીના માધ્યમથી ઉપસાવી શકાય છે.
કેનવાસ બોર્ડ પર રંગોળી : ચિત્રકાર ઈરફાને જણાવ્યું કે, હાર્ડ બોર્ડ પર એક સામાન્ય રંગોળીને આખરી ઓપ આપતા 35 થી 40 કલાક જેટલો સમય લાગે છે. પરંતુ કેનવાસ બોર્ડ પર તે ઘટીને 15 થી 17 કલાકમાં તૈયાર થઈ જાય છે. જેના કારણે કેનવાસ બોર્ડ ઉપર ચિરોડી કલરથી કોઈ પણ ચિત્રને આબેહૂબ ઉપસાવી ખૂબ જ સુંદર ચિત્રકામ કરી શકાય છે.