જૂનાગઢ : નવા વર્ષની તુવેરની આવકથી જૂનાગઢ APMC માં રોનક જોવા મળી રહી છે. નવી સિઝનમાં તુવેરની હરાજી શરૂ થતા જ ખૂબ પુષ્કળ પ્રમાણમાં તુવેરની આવક થઈ રહી છે. જેના કારણે માર્કેટિંગ યાર્ડ તુવેરથી છલકાતું જોવા મળી રહ્યું છે. પ્રથમ વખત ઉચ્ચ ગુણવત્તા યુક્ત તુવેરના પ્રતિ 20 કિલો 2050 રૂપિયા સુધીના સૌથી સર્વોચ્ચ ભાવ મળી રહ્યા છે.
જૂનાગઢ APMC માં રોનક : જૂનાગઢ APMC માં નવા વર્ષની તુવેરની આવક શરૂ થઈ છે. આ સિઝનમાં તુવેરના સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ભાવ બોલાયા હતા. પ્રથમ વખત ઉચ્ચ ગુણવત્તા યુક્ત તુવેરના પ્રતિ 20 કિલો 2050 રૂપિયા સુધીના સૌથી સર્વોચ્ચ ભાવ મળી રહ્યા છે. જેને ધ્યાને રાખીને ખેડૂતો પણ હવે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરના વેચાણ માટે આવી રહ્યા છે. આજે માર્કેટિંગ યાર્ડ બહાર રાજકોટ ધોરી માર્ગ પર તુવેર ભરેલા વાહનોની બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો પણ જોવા મળી હતી.
તુવેરની મબલક આવક : નવી સિઝનની તુવેરની આવક શરૂ થતાં જ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાછલા ત્રણ દિવસની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 14,433 ક્વિન્ટલ નવી સિઝનની તુવેરની આવક થઈ છે. આજે રાત્રીના આઠ વાગ્યાથી લઈને વહેલી સવારે 1:00 વાગ્યા સુધી ખેડૂતો પોતાની તુવેરની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાવી શકશે. જેને લઈને માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતો વાહનોમાં તુવેર ભરીને કતાર બંધ ઊભેલા જોવા મળતા હતા.
તુવેરના ઉંચા ભાવ : સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો નીચામાં 1,800 ની સપાટી જળવાઈ રહી છે. તો ઊંચામાં સૌથી વધુ રુ. 2,050 થી લઈને આજના દિવસે રુ.1,952 સુધીના ભાવ બોલાયા છે. નીચા બજાર ભાવમાં સ્થિરતા જોવા મળે છે. પરંતુ ઊંચા બજાર ભાવમાં 100 થી લઈને 50 રૂપિયાનો વધારો કે ઘટાડો પ્રતિ દિવસે જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ આપ્યો પ્રતિભાવ : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેર વેચવા માટે આવેલા ખેડૂત ભાવેશભાઈએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ નવી સીઝનની તુવેર વેચવા માટે સારા બજાર ભાવને લઈને જૂનાગઢ એપીએમસીની પસંદગી કરી રહ્યા છે. આજે બપોર બાદ તેઓ અને અન્ય ખેડૂતો તુવેર લઈને પહોંચી ગયા છે. આઠ વાગ્યે જ્યારે તુવેરનું રજીસ્ટ્રેશન શરૂ થશે, ત્યારે રજીસ્ટ્રેશન કરીને તુવેરનું વેચાણ કરવા માટે પણ તેઓ તૈયાર છે.