જૂનાગઢ: મેઘરાજાની કૃપાદ્રષ્ટિ હવે અવિરત પણે ગુજરાત પર જોવા મળી રહી છે જેને કારણે અતિ ભારે વરસાદ પડતા ગીર પંથકના મોટાભાગના જળાશયો છલકી રહ્યા છે. જુનાગઢ અને ગીર પંથકમાં આવેલા હિરણ બે ડેમ, હસ્નાપુર, ઉબેણ, બાટવા, ખારો, વેલિંગ્ડન, ઓઝત, વિયર, વંથલી અને શાપુર વિસાવદર નજીક આવેલ ધ્રાફડ માણાવદર નજીક આવેલા શેરડી સિંચાઈ યોજના સહિત નાના-મોટા તમામ જળાશયો આજે છલકાઈ ગયા છે. હિરણ બે ડેમના સાત દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે ચાર દરવાજા એક ફૂટ અને ત્રણ દરવાજા 0.5 ફૂટ ખોલાયા છે જેને કારણે નીચાણ વાળા વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે તેવી જ રીતે ઉબેણ, વંથલી અને શાપુર બાટવા ખારો સહિત જિલ્લામાં આવેલા મોટાભાગના તમામ ડેમો ઓવરફ્લો થયા છે, જેને કારણે લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
અસરગ્રસ્ત ગામોની યાદી: જળાશયો ઓવરફલો થતા જુનાગઢ જિલ્લાના આણંદપુર, રાયપુર, સુખપુર, નાગલપુર, સોનારડી, ગાંઠીલા, સાપુર, નાના કાજલીયાળા, કણજા, વંથલી, ધણફુલીયા, બાદલપુર, બેલા રામેશ્વર, પ્રભાતપુર, મેવાસા, આણંદપુર અને ઇટાળા ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા અને બિનજરૂરી નદીના પટમાં અવરજવર નહીં કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. સમગ્ર વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને જૂનાગઢના પ્રભારી સચિવ બંછાનીધી પાનીએ પણ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સંભવિત સ્થિતિનો કયાસ કાઢ્યો છે.
વરસાદને પગલે બંધ માર્ગોની યાદી: ભારે વરસાદને પગલે પોરબંદરથી જુનાગઢ તરફ આવતા રાજ્ય ધોરીમાર્ગને બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ઘેડના કોડવાવથી એકલેરા, ખડીયાથી પ્રતાપપુરા, પાતાપુરથી ઇટારા, ખોરાસા, પાતાપુર માર્ગ બંધ કરાયો છે. પાણખાણ, સિલોદર, ધંધુસર, રવની છત્રાસા, અગતરાઈ આખા ટીકર સહિત ઘેડના માણાવદર તાલુકાના કેટલાક રાજ્ય ધોરીમાર્ગોને સંભવિત પુરની સ્થિતિને કારણે બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ નરેડીથી બોડકા અને પીપલાણા તેમજ સારંગ પીપળી જતા માર્ગની સાથે શેરડી સિંચાઈ યોજના નીચે આવતા શેરડી ઇન્દ્રા લીંબુડા માર્ગ બંધ કરાયો છે. વિસાવદર નજીકના ધ્રાફડ ડેમ ઓવરફ્લો થતા સરસાઈ ચાપરડા નવી ચાચડ ખીજડીયા માર્ગોને પણ સુરક્ષા ખાતર હાલ બંધ કરવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.