અમદાવાદ : આજે (6 જુલાઈ, શનિવાર) લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકારો અને નેતાઓ સાથે બેઠક કરશે. નોંધનીય છે કે, રાહલુ ગાંધીના હિન્દુ મુદ્દે નિવદેન અને અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર હુમલાને લઇ રાજકારણ ગરમાયું છે.
અમદાવાદ આવશે રાહુલ ગાંધી : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, શનિવારના રોજ રાહુલ ગાંધી ગુજરાતમાં અમદાવાદના પાલડી કોંગ્રેસ ભવન ખાતે આવશે. કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારામાં ધરપકડ થયેલા લોકોના પરિવારને રાહુલ ગાંધી મળશે. સાથે જ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી મળશે.
પીડિત પરિવારો સાથે મુલાકાત : FRI ન લેવાઈ હોત તો ગુજરાતભરના કોંગ્રેસ કાર્યકર્તાઓ જેલ ભરો આંદોલન કરવાના હતા. પણ હવે અમારી ફરિયાદ લીધી છે .ગુજરાતની પરંપરાને ભાજપના ગુંડાઓએ કલંકિત કરી છે. સાથે જ રાહુલ ગાંધી મોરબી બ્રિજ કાંડના પીડિત પરિવારને મળશે. જે કાર્યકર્તાઓની ધરપકડ થાય છે તેમના પરિવારને મળશે. કાયદો વ્યવસ્થા કે તંત્રને તકલીફ ન થાય એનું ધ્યાન રાખીશું.
કોંગ્રેસ કાર્યકર્તાઓને અભિનંદન : હું મારા કાર્યકર્તાઓને અભિનંદન આપીશ કે તેઓએ સંયમ જાળવ્યો. વગર મંજૂરીએ ગુંડા આવતા હતા અને તેમની ધરપકડ કરી હોત તો આ ઘટના ન બની હોત. રાહુલ ગાંધી કહે છે કે, ડરો મત-ડરાઓ મત. હું હિન્દુ ધર્મના લોકોને અપીલ કરીશ કે રાહુલ ગાંધીનું પૂરું પ્રવચન સંભાળજો. રાહુલ ગાંધીએ હિન્દુની સાચી વ્યાખ્યા આપી એટલે ભાજપના લોકોના પેટમાં તેલ રેડાયું છે.
દર્શન એ પ્રદર્શન નથી તેવું રાહુલ ગાંધીનું કહેવું છે. ધર્મની વ્યાખ્યા કરી એટલે ભાજપને તકલીફ પડી છે. રાહુલ ગાંધીનો વિરોધ કરવા આવું હોય એ આવે, પોલીસનું કામ રોકવાનું છે. ભાજપ જે કરી રહ્યું છે, આ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ નહિ ભગવાન શિવનો વિરોધ છે.