જુનાગઢ: પોરબંદર લોકસભા મતવિસ્તારમાં આવતા મતદારોને વેરાવળ થી ગાંધીનગર અને પોરબંદર થી ગાંધીનગર જવા માટે ચાર જેટલા ટોલ બુથ પસાર કરવા પડે છે, જેમાં પોરબંદર થી ગાંધીનગર જવા માટે 290 અને વેરાવળથી ગાંધીનગર જવા માટે 305 રૂપિયા ટોલટેક્સ ચૂકવવો પડે છે. વાહનચાલકોની આ મુશ્કેલીને ધ્યાને લઈને પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને પત્ર લખીને વાહનચાલકોના હિતમાં ટોલટેક્સ ઓછો થાય તેવી માંગ કરી છે.
ટોલ ટેક્સને લઈને કેન્દ્રીય પ્રધાનને પત્ર
ટોલટેક્સને લઈને હવે ફરી એક વખત લોક આંદોલન શરૂ થાય તેવા અણસાર મળી રહ્યા છે, સૌરાષ્ટ્રમાં લોકોના હીતને સ્પર્શતા આંદોલન શરૂ કરીને તેમાં સફળતા મેળવનાર પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ ટોલ ટેક્સને લઈને હવે વાહન ચાલકોની મુશ્કેલી કેન્દ્રીય પ્રધાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, પોરબંદર લોકસભા મતવિસ્તારમાં આવતા મતદારોને ગાંધીનગર સુધી જવા માટે પોરબંદરથી 290 અને વેરાવળથી 305 રૂપિયા ગાંધીનગર વચ્ચે આવતા 04 ટોલ બુથ પર ટેક્સ માં ચૂકવવા પડે છે વાહન ચાલકોની આ પરેશાની પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાને રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ પત્ર દ્વારા વાહનચાલકોને રાહત મળે તેવી માંગ કરી છે
પોરબંદર અને વેરાવળ થી ચાર-ચાર ટોલ બૂથ
પોરબંદર થી ગાંધીનગર જવા માટે વનાણા-પોરબંદર, ડુમિયાણી-ઉપલેટા, પીઠડીયા-જેતપુર અને ભરૂડી ગોંડલ વચ્ચે 04 ટોલ બુથ આવે છે, જેમાં અનુક્રમે Rs 80/120/45 અને 45 રૂપિયા વાહન ચાલકોએ ચૂકવવા પડે છે, તેવી જ રીતે વેરાવળ થી ગાંધીનગર જવા માટે ચાંડુવાવ વેરાવળ ગાદોઈ વંથલી પીઠડીયા જેતપુર ભરૂડી ગોંડલ વચ્ચે આવતા ટોલ બુથો પર અનુક્રમે 100, 115, 45-45 રૂપિયા માર્ગ પરથી પસાર થવા માટે ટેક્સના રૂપમાં ચુકવવા પડે છે. વાહનચાલકોની આ મુશ્કેલી પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન તરીકે મનસુખ માંડવીયા દૂર કરે તેવી વાત જવાહર ચાવડાએ પત્રના માધ્યમથી કરી છે.
ટોલ બુથ પર અનેકવાર વાહન ચાલકો સાથે બબાલ
મહત્વપૂર્ણ છે કે, ટોલ બુથોને લઈને અનેકવાર વાહનચાલકોમાં કચવાટ જોવા મળે છે, સમયાંતરે ટોલબૂથના દરોમાં સંચાલન કરતી ખાનગી કંપનીઓ દ્વારા ભાવ વધારો પણ કરી નાખે છે. જેને કારણે વાહનચાલકોને વધુ મુશ્કેલી પડે છે. સામાન્ય રીતે ટોલબુથ જેમ જૂનું થતું જાય તેમ અહીંથી પસાર થવાના દરમા ઘટાડો થવો જોઈએ પરંતુ રાજ્યમાં આજે પણ એવા અનેક ટોલ બુથ છે કે જ્યાં વર્ષોથી એક સમાન દરે વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવે છે, જેને લઈને વાહન ચાલકોએ પણ અનેકવાર સરકાર અને જન પ્રતિનિધિને રજૂઆત કરી છે પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે.