જામનગર : ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોને સબક શીખવવા જામનગર પોલીસ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. ગેંગરેપ કેસના આરોપી અને ગૌચર જમીન પર ગેરકાયદે ફાર્મ હાઉસ ઊભું કરનાર આરોપી હુસેન ગુલમામદ શેખની મિલકત તોડી પાડવામાં આવી છે.
ગેંગરેપ કેસના આરોપી વિરુદ્ધ કાર્યવાહી : ગેંગરેપ કેસના મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખ દ્વારા મોટા થાવરીયા ગામમાં ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભું કરવામાં આવ્યું હતું છે. આજે 4 ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગેંગરેપના આરોપીના ગેરકાયદે ફાર્મ હાઉસનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ગેરકાયદેસર ફાર્મ હાઉસ તોડી પડાયું : જામનગર ગ્રામ્ય તાલુકાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા થાવરીયા ગામમાં ગૌચર જમીન સર્વે નં. જૂના 400/પૈકી 26 જેના નવા સર્વે નં. 873 ખાતે દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખે 11 વીઘા (ચો.મી. આશરે - 18458) જમીનમાં 'અશદ ફાર્મ હાઉસ' તથા તાર ફેન્સિંગ કરી દબાણ કર્યું છે. ગૌચરની જમીનમાં કરાયેલા દબાણને તોડી પડાયું છે.
"મોટા થાવરીયા ગામમાં હુસેન ગુલમામદ શેખ દ્વારા ગૌચરની જમીનમાં ફાર્મ હાઉસ ઊભું કરી કબજો કરવામાં આવ્યો હતો. આ જગ્યા પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે" -- પ્રેમસુખ ડેલૂ (SP, જામનગર પોલીસ)
આરોપીનો ગુનાહિત ઈતિહાસ : આ તકે મોટા થાવરીયા ગામ ખાતે વિશાળ પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા પોલીસ વડા પણ ખુદ ગેરકાદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી સમયે ઉપસ્થિત રહ્યા હતા. આરોપી વિરુદ્ધ અગાઉ અનેક ગુના નોંધાયા છે, જેમાં NDPS, બળાત્કાર અને આર્મ્સ એક્ટના સાત ગુના નોંધાયેલા છે.