જામનગર : લોકસભા ચૂંટણી 2024 આડે ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણી પ્રચારને આખરી ઓપ આપવા સાથે તમામ પક્ષના ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે જામનગરના રણજીતનગર ખાતે જંગી જાહેર સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર જે.પી.માલવિયાએ કલેક્ટર કચેરી ખાતે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે.
જે. પી. મારવિયાએ ઉમેદવારી નોંધાવી : જામનગરના રણજીત નગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાએ જંગી જાહેરસભાનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત રણજીત નગર ખાતે આવેલ પટેલ સમાજની વાડીમાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી જે.પી. મારવિયા દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે.
આહિર-પાટીદાર વચ્ચે ચૂંટણી જંગ : જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા બેઠક પર આહિર અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ રહ્યો છે. ભાજપના ઉમેદવાર અને બે ટર્મ સાંસદ રહેલા પૂનમ માડમ આહિર સમાજમાંથી આવે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા પાટીદાર સમાજમાંથી આવે છે.
પૂનમ માડમ હેટ્રિક મારશે ? જામનગર અને દેવભૂમિ દ્વારકા લોકસભા બેઠક પર અત્યાર સુધી ભાજપનો કબજો રહ્યો છે. સાંસદ પૂનમ માડમ સતત બે વખત ચૂંટાયા છે. હવે લોકસભા ચૂંટણી 2024 માં ભાજપે પૂનમબેનને રીપીટ કરતા સાંસદ તરીકે હેટ્રીક નોંધાવે તેવી શક્યતા છે. આમ જામનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. જોકે મતદારોનો મૂડ જોતા ફરીથી સાંસદ પૂનમ માડમ જીતની હેટ્રિક મારે તેવી શક્યતા છે.
ક્ષત્રિય આંદોલનની અસર : હાલ ચાલી રહેલા દેશવ્યાપી ક્ષત્રિય આંદોલનની સીધી અસર જામનગર બેઠક પર થાય તેવી શક્યતા છે. કારણ કે હાલાર પંથકમાં ક્ષતિત્ર સમાજની વ્યાપક વસ્તી છે. પરષોત્તમ રૂપાલાએ કરેલ વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. તેનો સીધો ફાયદો કોંગ્રેસને થાય તેવી શક્યતા છે.