જુનાગઢઃ જેક ટેકનીક સ્વયં દેશી ઇજનેરી વિજ્ઞાન સાથે સંકળાયેલી બાંધકામની આ નવતર પદ્ધતિ પાછલા પાંચ વર્ષમાં બીજી વખત જુનાગઢમાં જોવા મળી રહી છે પાંચ વર્ષ પૂર્વે એક રહેણાંક મકાનને બિલકુલ તોડયા વગર જેક ટેકનીક ની મદદ થી જમીનથી છ ફૂટ ઊંચું ઉપાડવામાં આવ્યુ હતુ ત્યારે આજે ફરી એક વખત ઝાંઝરડા રોડ સ્થિત સિધ્ધનાથ મહાદેવ મંદિરને તોડ્યા વગર જમીનથી 4 ફૂટ ઊંચું ઉપાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
![જેક ટેકનીકથી સિધ્ધનાથ મંદિરને કરવામાં આવી રહ્યું છે ઊંચું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2024/gj-jnd-03-jack-vis-01-byte-01-pkg-7200745_13092024131901_1309f_1726213741_502.jpg)
જેક ટેકનીક ની મદદથી મંદિર ઊંચું ઉપાડાયું
બાંધકામ ક્ષેત્રમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય બાબત બની રહી છે ત્યારે જુનાગઢ આ જ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાંધકામને તોડ્યા વગર ઊંચું ઉપાડવાનું સાક્ષી બની રહ્યું છે. પાંચ વર્ષ પૂર્વે જુનાગઢના એક રહેણાંક મકાનને જમીનથી 6 ફૂટ તોડ્યા વગર ઊંચું ઉપાડવામાં આવ્યું હતું. બિલકુલ આ જ પ્રકારે જેક ટેકનોલોજીની મદદથી જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલા સિધ્ધનાથ મહાદેવ મંદિરની સાથે હનુમાન મંદિરને ઊંચું ઉપાડવાનું કામ શરૂ થયું છે, અંદાજિત બે મહિનાના સમય દરમિયાન બંને મંદિરો જેક ટેકનીકની મદદથી જમીનના લેવલથી 4 ફૂટ ઊંચા ઉપાડવાનું કામ પૂર્ણ કરવામાં આવશે.
![જેક ટેકનીકથી સિધ્ધનાથ મંદિરને કરવામાં આવી રહ્યું છે ઊંચું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2024/gj-jnd-03-jack-vis-01-byte-01-pkg-7200745_13092024131901_1309f_1726213741_343.jpg)
તોડ્યા વગર મંદિરને 06 ફૂટ કરાશે ઊંચું
સામાન્ય રીતે કોઈપણ મિલકતને જમીનના લેવલથી ઊંચી ઉપાડવા માટે અત્યાર સુધી તેને તોડવામાં આવતી હતી. પરંતુ પાછલા 30 વર્ષથી દેશી જેક દ્વારા મિલકતને તોડ્યા કે પાડ્યા વગર ઊંચી ઉપાડવાની આ ટેકનિક ધીમે ધીમે પ્રચલનમાં આવી છે. વિદેશોમાં આ પ્રકારની ટેકનીક અમલમાં જોવા મળે છે પરંતુ ભારતમાં જે પ્રકારે મકાન અથવા તો મિલકતને જમીનથી ઊંચું ઉપાડવાની જે ટેકનીક છે. તે બિલકુલ ભારતની સ્વદેશી પદ્ધતિ છે, જેમાં ખૂબ જ સફળતાપૂર્વક મિલકતના પાયા નીચેથી જમીન અને માટીને દૂર કરીને સમગ્ર બાધકામને જેકના ટેકા પર ઊભી કરીને નીચેની જગ્યા પર મજબૂત પાયો બનાવીને આખી બિલ્ડીંગને પાયા પર સ્થિર કરી દેવામાં આવે છે. જેને કારણે આ મિલકતની મજબૂતાઈ વધવાની સાથે ચોમાસા દરમિયાન વરસાદી પૂરના પાણી મિલકતમાં ઘૂસી જવાની સમસ્યા માંથી પણ છુટકારો મળી શકે છે.
![જેક ટેકનીકથી સિધ્ધનાથ મંદિરને કરવામાં આવી રહ્યું છે ઊંચું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2024/gj-jnd-03-jack-vis-01-byte-01-pkg-7200745_13092024131901_1309f_1726213741_776.jpg)
![જેક ટેકનીકથી સિધ્ધનાથ મંદિરને કરવામાં આવી રહ્યું છે ઊંચું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2024/gj-jnd-03-jack-vis-01-byte-01-pkg-7200745_13092024131901_1309f_1726213741_672.jpg)
જેક અને માનવ બળથી થાય છે કામ
જેક ટેકનિકથી કોઈપણ બિલ્ડીંગ કે બાંધકામને ઊંચું ઉપાડવા પાછળ સૌથી ઓછા ઈજનેરી સાધનનો ઉપયોગ થાય છે. મિલકત કે બાંધકામને ઊંચી ઉપાડવા માટે સૌથી મહત્વનું માનવબળ, મિલકત અને બિલ્ડીંગને મજબૂત આધાર મળે તે માટે એકમાત્ર જેક અને લોખંડના ગડરનો ઉપયોગ થાય છે. આધુનિક બાંધકામ ટેકનોલોજીમાં મોટાભાગના કામો યાંત્રિક સાધનોથી થતા હોય છે પરંતુ જેક ટેકનોલોજી દ્વારા બિલ્ડીંગને ઊંચા ઉપાડવાની કામગીરી માનવબળ અને લોખંડના ગડર અને જેકના સમન્વયથી કરવામાં આવે છે જે અત્યાર સુધી તો ભારતમાં સફળ માનવામાં આવી છે.