મોરબી: જિલ્લાના વજેપર ગામના સરકારી ખરાબામાં ટંકારા ભાજપના માજી પ્રમુખે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. તો મામલતદાર દ્વારા 2 માસ અગાઉ નોટિસ આપ્યા છતાં પણ દબાણ દૂર કરવામાં આવ્યું નથી અને બેરોકટોક સરકારી જમીનનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. જે બાદ હાલમાં કેસ પણ ચાલી રહ્યો છે. જે મામલે વિવાદ સર્જાતા પાર્ટી પ્લોટની માપણી કરીને દબાણ તોડી પાડવામાં આવશે. તેમ જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યું હતું. આ બાબતે મામલતદારે નોટિસ આપી ખુલાસો માગ્યો હતો.
જમીન પર ભાજપ નેતાએ કબજો કર્યાનો આરોપ: મોરબીના વજેપરમાં આવેલા સરકારી ખરાબા સર્વે 1116 પૈકીની જમીનમાં આવેલા કલાસિક પાર્ટી પ્લોટમાં ભાજપના આગેવાન અરવિંદ બારૈયા દ્વારા દબાણ કર્યું હોવાનું ખુલ્યું હતું. જેમાં 2 એકરથી વધુ જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. આ જમીન કિંમતી છે. જે જમીનમાં દબાણ કર્યું હોવા મામલે મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે. તા. 18 જુલાઇ 2024 ના રોજ મોરબી શહેર મામલતદારે આપેલી નોટિસમાં જણાવ્યું કે, વજેપર ગામના સરકારી ખરાબા સર્વે નં 1116 માં ક્લાસિક પાર્ટી પ્લોટના નામે દબાણ કરાયેલી હોવાથી તેના જરુરી આધાર પુરાવા રજૂ કરવા અંગે નોટિસ આપી હતી.
ભાજપ નેતાને કેસની સુનવણીમાં હાજર રહેવાનો આદેશ: આ બાબતે તા. 29 જૂન અને 9 જૂલાઇના રોજ લેખિત જવાબમાં જગ્યામાં વૃક્ષો વાવી સામાજિક પ્રવૃત્તિ કરવા તેમજ અસામાજિક તત્વો જગ્યાનું દબાણ ન કરે તેનો ખ્યાલ રાખ્યો હોવાનું જણાવ્યું હતું. આ જગ્યામાં ક્લાસિક પાર્ટી પ્લોટના નામે વાણિજ્યિક ઉપયોગ, ડોમ તથા મંડપ સર્વિસનો સામાન રાખવામાં આવે છે. આ જગ્યાની માલિકીના જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. તેમજ ભાજપના માજી પ્રમુખને કેસની સુનવણીમાં હાજર રહેવા જણાવાયું હતું.
તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ તોડી પડાશે: જમીન દબાણ મામલે જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ડીએલઆર દ્વારા જમીનની માપણી કરાવીને જે પણ દબાણ હશે. તેને દૂર કરવામાં આવશે. સરકારી જમીન ઉપર કોઈપણ દબાણ હશે. તો તેને કોઇ પણ જાતની ખચકાટ વગર તોડી પાડવામાં આવશે. આ મામલે અરવિંદ બારૈયાએ પણ વીડિયો જાહેર કરી જણાવ્યું કે, આ પાર્ટી પ્લોટ તેમની માલિકીનો છે. બાજુનો જે ખરાબો છે, જેની માંગણી સરકારમાં કરી છે. જેની જંત્રી મુજબ પૈસા ભરવા તૈયારી દર્શાવી હતી અને તંત્રને પુરતો સહકાર આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. તાજેતરમાં અરવિંદ બારૈયાએ ગણપતિ વિસર્જન દરમિયાન તંત્ર સાથે ઝઘડો કરીને પ્રતિબંધ હોવા છતાં મચ્છુ 3 ડેમમાં ગણેશ વિસર્જન કર્યું હતું અને જાહેરનામાના ભંગની ફરિયાદ પણ તેમના વિરુદ્ધ નોંધાઈ હતી. ત્યારે હવે પાર્ટી પ્લોટ દબાણ મામલે તેમની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે.
આ પણ વાંચો: