બારડોલી : બારડોલીમાં બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે આજે રવિવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા જનજીવનને પ્રભાવિત થયું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. બારડોલીમાં માત્ર ચાર કલાકમાં 4.33 ઇંચ વરસાદ થયો હતો. પલસાણામાં 12 વાગ્યા સુધીમાં 133મિમી વરસાદ નોંધાયો છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા દરમ્યાન બારડોલી તાલુકામાં 117 મિમી, પલસાણા તાલુકામાં 133 મિમી અને મહુવા તાલુકામાં 108 મિમી વરસાદ નોંધાયો હતો.
પહેલા વરસાદમાં જ પાણી પાણી: બારડોલીમાં પહેલા જ વરસાદમાં પાણી પાણી થઈ ગયું હતું. રવિવારે સવારથી જ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાય જતા પ્રજાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બારડોલીની અલગ અલગ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થવાથી તેમજ ખાડી ઓવરફ્લો થતાં પાણી ભરાય ગયા હતા. વરસાદી પાણીના નિકાલ માટે નવી લાઇન નાખી હોવા છતાં સોસાયટીના રહીશોને કોઈ ફાયદો થયો ન હતો. જેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રહીશોની મુશ્કેલી વધી ગઈ હતી. ખાસ કરીને ડી.એમ. નગર, એમ.એન.પાર્ક, શિવશક્તિ સોસાયટી અને વિઠ્ઠલવાડી વિસ્તારોમાં ખેતીવાડીમાં પાણી ફરી વળ્યા હતા.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી: આ ઉપરાંત શામરીયા મોરા વિસ્તારમાં આશાપુરા માતા મંદિર પાસે, રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. શહેરમાંથી પસાર થતા કડોદ રોડ પર શિરડી ધામ સોસાયટી, તેમજ લક્ષ્મી વિલા સોસાયટી પાસે રોડ પર પાણી ભરાય ગયા હતાં જેને કારણે વાહન ચાલકોએ થોડીવાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ ધીમો થતા તમામ વિસ્તારોમાંથી પાણી ઉતરી જતા લોકોએ રાહત અનુભવી હતી.
નગરપાલિકા ટીમ કામે લાગી: જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ત્યાં નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીના નિકાલ માટે તરત જ આવી પહોંચ્યું હતું. ચીફ ઓફિસર મિલન પલસાણા, ફાયર ઓફિસર પી.બી.ગઢવી ઉપરાંત પદાધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
કામચલાઉ રસ્તા પર પાણી ફરી વળ્યું: ભારે વરસાદને કારણે બારડોલી તાલુકાના જૂની કીકવાડ ગામે ગભાણ ફળીયામાં આવેલ ચીક ખાડી પરના પુલનું કામ ચાલતું હતું ત્યાં પણ વરસાદના કારણે પાણી ફરી વળ્યું છે. આથી હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાનું બારડોલી પ્રાંત અધિકારી જિજ્ઞા પરમારે જણાવ્યું હતું. ભારે વરસાદને કારણે તાલુકાના ભુવાસણ ગામના પાદર ફળિયામાં રવિવારે સવારે 11 વાગ્યે બચુભાઇ મણીભાઈ હળપતિનું સરકારી આવાસનો પાછળનો ભાગ તૂટી પડ્યો હતો. જો કે તે સમયે ઘરમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી.