દેવભૂમિ દ્વારકા: હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 2 દિવસથી ગાજવીજ સાથે શરૂ થયેલ ધોધમાર વરસાદ હાલ પણ સમગ્ર દ્વારકા જિલ્લાને તરબોડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ 2 દિવસમાં કલ્યાણપુર પંથક 15 ઇંચ કલાક જેટલો પડ્યો છે, ખંભાળિયા પંથકમાં 12 ઇંચ દ્વારકા માં 20 ઇંચ અને ભાણવડ પંથક માં 8 થી 10 ઇંચ વરસાદ ખાબક્યો છે.
નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર ભરાયા પાણી: કલ્યાણપુર પંથકના રાવલ ગામ માં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી તો ભાટિયા- ભોગાત, લીંમડી - દ્વારકા, કલ્યાણપુર - હર્ષદ, પાનેલી - હરીપર વચ્ચેના માર્ગમાં પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો બીજી તરફ ખંભાળિયા તાલુકામાં આવેલ સિંહણ ડેમ ઓવરફ્લો થયો હતો. સાથે સાથે સલાયા અને ખંભાળિયા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. આ વરસાદના કારણે સલાયા - બારાને જોડતો માર્ગ બંધ થયો છે.
ભારે વરસાદથી ખેડૂતો હેરાન: ભાણવડ પંથકમાં વરસાદ ના પગલે સતસાગર ડેમ ઓવરફલો થયો છે. જેના પગલે ફ્લકુ નદી છલકાતા ભાણવડની બજારોમાં પુર જેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. બીજી ભાટિયાની બજારમાં પણ નદી સમાન પાણી જોવા મળ્યા હતા. તો જિલ્લાના મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાયાં હતાં જેનાથી પાકમાં નુકસાની થઈ છે.
દ્વારકામાં દુકાનોમાં ઘૂસ્યા પાણી: આ સાથે જ દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો 20 ઇંચ જેટલા ધોધમાર વરસાદથી સમગ્ર દ્વારકા નગરીમાં ઘૂંટણ સમાં પાણી ભરાયાં હતાં. તો અનેક સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તો અનેક દુકાનો અને હોટેલોમાં પણ આ સ્થિતિ સર્જાઇ હતી. આ ધોધમાર વરસાદના પાણીના લીધે તબાહીનાં વિડિઓ સામે આવ્યા છે. જેમાં દ્વારકાનાં વેપારી વર્ગને કરોડોનું નુકશાન થયું છે. દ્વારકાનાં અમુક રસ્તાઓ પર પાણી ઓસર્યા બાદ નુકશાનનાં વિડિઓ સામે આવ્યા છે, જેમાં દુકાનદારોની હાલાકી સાફ નજરે આવે છે, હજી પણ તેઓ ભરેલા પાણીને કાઢવા મુશ્કેલીમાં મુકાયા છે.
જિલ્લા કલેકટરની અપીલ: દ્વારકા જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ભરેલા પાણીને કાઢવા માટે વધારે ક્ષમતાવાળા ડીવોટરીંગ પંપ રાજકોટથી મંગાવી નગરપાલિકા દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર પરિસ્થિતને લઈ જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા દ્વારા લોકોને નીચાણ વારા વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા આહવાન કરાયું હતું. અને ડેમ કે અન્ય જોખમી સ્થળે પાણીના પ્રવાહની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે.