જૂનાગઢ: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલ દ્વારા નિર્દેશિત કરવામાં આવેલા યોગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢના લોકો જોડાયા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી: 21મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યું છે. આજે વિશ્વના દરેક ખૂણામાં વિવિધ દેશોના લોકો યોગ કરી રહ્યા છે. ત્યારે ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવતા જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં પણ યોગ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં સામેલ થઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી ઐતિહાસિક સ્થળ પર કરીને યોગ અભ્યાસનો મહાવરો મેળવ્યો હતો આજના દિવસે લોકોની દિનચર્યા અને ખાવા પીવાની આદતોને કારણે સ્થૂળતા અને બીમારીઓ ધીમે ધીમે ઘર કરતી જાય છે તેની સામે યોગ એક માત્ર હાથવગુ હથિયાર હોવાનું પણ યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલે યોગ અભ્યાસમાં સામેલ યોગીઓને મહાવરો સમજાવ્યો હતો.
નડાબેટ અને કાશ્મીરથી જીવંત પ્રસારણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાશ્મીરમાં કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભારત પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ ખાતે યોગ અભ્યાસમાં જોડાયા હતા. આ બંને જગ્યાનું સીધું જીવંત પ્રસારણ જૂનાગઢના ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ યોગાચાર્યો દ્વારા દર્શાવવામાં આવેલા યોગોનો નિદર્શન જોઈને જીવંત પ્રસારણના માધ્યમથી પણ જૂનાગઢના લોકો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા.