સુરત : 85 વર્ષિય નિરંજનાબેન સરદાર પટેલની કર્મભૂમિ પર ગાંધીજીની વિચારધારા સાથે આદિવાસી બહુલ વિસ્તારની છોકરીઓને ભણાવી રહ્યા છે. અભ્યાસની સાથોસાથ ચરખો ચલાવીને વ્યક્તિ કેવી રીતે આત્મનિર્ભર અને સક્ષમ બની શકે છે તેનો જીવંત પુરાવો આ શાળામાં જોવા મળે છે. છેલ્લા 60 વર્ષથી તેઓ સરદાર વલ્લભભાઈનr કર્મભૂમિ બારડોલીમાં આવેલા સરદાર આશ્રમમાં આદિવાસી કન્યાઓ માટેની આ શાળા ચલાવે છે. આજે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ વિદેશમાં પણ પોતાનું નામ રોશન કર્યું છે. નિરંજનાબેન શાળામાં છોકરીઓને ગાંધીજીનો ચરખો કેવી રીતે ચલાવી શકાય અને તે આત્મનિર્ભર બની શકાય તે શીખવે છે.
નાનીબેન તરીકે જાણીતાં : 17 ઓક્ટોબર 1939નાં રોજ માતા સંતોકબહેન શાહ તથા પિતા ઉત્તમચંદ શાહને ત્યાં સ્વરાજ આશ્રમ, બારડોલીમાં તેમનો જન્મ થયો. પરિવારમાં મોટાબહેન ઇન્દુબહેન, મોટાભાઇ ભરતભાઇ અને ત્યારબાદ સૌથી નાના નિરંજનાબહેન હોવાથી સૌ તેમને "નાનીબેન" તરીકે ઓળખે છે. પિતા ઉત્તમચંદ શાહ, સરદાર પટેલ અને મહાત્મા ગાંધીના નિકટતમ સાથીદાર હતાં.
પિતાની સેવાના સંસ્કાર ઝીલ્યાં : સરદાર વલ્લભભાઇ પટેલે સ્થાપેલો એકમાત્ર આશ્રમ એટલે કે સ્વરાજ આશ્રમ. બારડોલીનો આ આશ્રમ સરદાર સાહેબ ઉત્તમચંદભાઇને સોંપીને ગયા અને ઉત્તમચંદભાઇએ આજીવન આશ્રમને જીવની જેમ સાચવ્યો અને જાળવ્યો. ત્યારે નાનીબેને પણ માતા અને પિતા બંનેએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. માતાપિતા આજીવન દેશસેવા અને સમાજસેવામાં સક્રિય રહ્યાં. નિરંજનાબહેનનું બાળપણ સ્વરાજ આશ્રમ, બારડોલી તથા સાબરમતી આશ્રમમાં વીત્યું, બાળપણમાં મહાત્મા ગાંધી તથા સરદાર સાહેબનું સાનિધ્ય મળ્યું.
કન્યા કેળવણીનું કઠિન કાર્ય ઉપાડ્યું :શિક્ષણ માટે કંઇક કરવું એવો વિચાર નિરંજનાબહેનને આવ્યો હતો. અંતરિયાળ પ્રદેશ તેમ જ આદિવાસી વિસ્તારમાં અધ્યાપન અને કેળવણીનાં ઉદ્દેશથી નિરંજનાબહેન તથા મુકુલભાઇ મુંબઇનું જીવન છોડી બારડોલી પ્રદેશમાં આવ્યાં. ત્યારબાદ તેમણે 1964થી 1966 સુધી 'સ્ત્રી અધ્યાપન મંદિર-પી.ટી.સી. કૉલેજ, બોરખડી' માં અધ્યાપિકા તરીકે સેવા આપી. કન્યા કેળવણી હશે તો દેશની આવનારી પેઢી અને દેશનું ભાવિ ઉજ્જવળ હશે. તેથી જે વર્ગમાં કન્યા કેળવણીનું કાર્ય ખૂબ જૂજ હતું તેવા આર્થિક રીતે નબળા તેમ જ વનવાસી તથા દલિત કન્યાઓનાં શિક્ષણ માટે કંઇક કરવું એવો વિચાર નિરંજનાબહેનને આવ્યો.
સરદાર કન્યા વિદ્યાલય શરુ કર્યું : સ્વરાજ આશ્રમ, બારડોલીનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય, શિક્ષણ અને ગ્રામોદ્યોગ છે. આશ્રમમાં તે સમયે શિક્ષણ સંસ્થા નહોતી. મોરારજી દેસાઇના પ્રમુખપણા હેઠળ, તત્કાલીન ટ્રસ્ટી મંડળની સર્વસહમતિથી સન 1966માં 'સરદાર કન્યા વિદ્યાલય' તથા 'સરદાર કન્યા છાત્રાલય'ની સ્થાપના કરવામાં આવી. કાકાસાહેબ કાલેલકરના વરદ હસ્તે શાળાની શરૂઆત થઇ. નિરંજનાબહેન અને મુકુલભાઇ કલાર્થીના શુભ સંકલ્પ થકી આ શાળાની સ્થાપના થઇ.
'નિરંજના કલાર્થી'નો પર્યાય અને પ્રાણ બની શાળા : આ સંસ્થા મહાત્મા ગાંધીજીના બુનિયાદી શિક્ષણ પ્રણાલીના નવતર પ્રયોગરૂપે કાર્યરત છે. નિરંજનાબહેન આ શાળામાં 34 વર્ષ આચાર્યા રહ્યાં અને હાલમાં શાળા અને છાત્રાલયના પ્રધાન, વ્યવસ્થાપક, માર્ગદર્શક તથા કેમ્પસ મેનેજર તરીકે કાર્યરત છે. ' સરદાર કન્યા વિદ્યાલય ' આજે 'નિરંજના કલાર્થી'નો પર્યાય અને પ્રાણ બની ચૂક્યું છે.'સરદાર કન્યા વિદ્યાલય' અને 'છાત્રાલય'માં સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, ખેડા અને દાહોદ જેવા જિલ્લા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાંથી પણ કન્યાઓ શિક્ષણ પ્રાપ્તિ અર્થે આવે છે. ગુજરાતમાં સ્થાયી થયેલા બિનગુજરાતી પરિવારોની કન્યાઓએ પણ અહીં અભ્યાસ કર્યો છે.
6000 વિદ્યાર્થિનીઓએ અહીં શિક્ષણ પ્રાપ્ત કરી ચૂકી છે : નિરંજનાબેને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 6000 વિદ્યાર્થિનીઓએ અહીં શિક્ષણ અને જીવન ઘડતરની તાલીમ મેળવી છે. આગળ અભ્યાસ કરી શિક્ષણ, આરોગ્ય, સહકારી તેમ જ સમાજ કલ્યાણ ક્ષેત્રે તથા અન્ય અનેકવિધ ક્ષેત્રે દેશ-વિદેશમાં કાર્યરત છે. દરરોજ અડધો કલાક ચરખા પર કપાસની ગાંઠો ખોલીને દોરો બનાવવાથી ડિપ્રેશન અને હતાશા તો દૂર થાય જ છે. પરંતુ સર્જનાત્મકતા અને એકાગ્રતા વધારવામાં પણ મદદ મળે છે. ચરખા કાંતવાથી બાળકોને મલ્ટી-ટાસ્કિંગની આદત વિકસાવવામાં મદદ મળે છે. બેસવાની મુદ્રા અને એકાગ્ર મન એ યોગિક આસન જેવું છે. આ કારણે ગુજરાત બોર્ડનું SSC પરિણામ 100 ટકા આવ્યું છે.