અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મોડી રાત્રે બે અલગ-અલગ જૂથો વચ્ચે થયેલી મારામારીની ઘટના સામે આવી છે. મળેલી માહિતી મુજબ ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના ચાર વિદ્યાર્થીઓ તેમના રૂમમાં નમાઝ અદા કરી રહ્યા હતા. લોકોના એક જૂથે આનો વિરોધ કર્યો હતો અને ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા હતા. આથી બંને જૂથો વચ્ચે ઝઘડો શરૂ થયો અને મારામારી થઈ હતી.
વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો: ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના A બ્લોકમાં એક જૂથે હોસ્ટેલમાં ઘુસીને નમાઝ અદા કરી રહેલા વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો હતો. સાથે જ નારેબાજી અને પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. જેમને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પીઆઈ એસ.આર.બાવાએ જણાવ્યું હતું કે મોડી રાત્રે બનાવ બન્યો હતો. તપાસ ચાલુ છે.
પોલીસ કમિશનર જી. એસ. માલિકે જણાવ્યું હતું કે, રમજાન મહિનો હતો, જેથી કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. મોડી રાત્રે 20થી 25 લોકોનું ટોળું યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં પહોંચ્યું હતું અને તમારે અહીં નહિ મસ્જિદમાં નમાઝ પડવી જોઈએ. તેમ કહી બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. રૂમમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા 20થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ બાદ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવશે. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે ઔવેસીએ ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી હતી. સમાચાર ફેલાતા જ જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે પોલીસ કમિશનરને ઉંડી તપાસ કરવા તાકીદ કરી હતી અને કહ્યું કે ધાર્મિક અસહિષ્ણુતાની આવી ઘટનાઓને સાંખી શકાય નહીં.
વિદેશી વિદ્યાર્થીઓનો આરોપ: ગુજરાત યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓનો આરોપ છે કે નમાજ દરમિયાન કેટલાક છોકરાઓનું ટોળું હોસ્ટેલમાં ઘુસી ગયું હતું અને તેમના પર હુમલો કર્યો હતો, ધાર્મિક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તોડફોડ કરવામાં આવી હતી, 3-4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠક બોલાવી છે. સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો છે.