અમદાવાદ: આપણી વર્ષો પુરાણી પ્રાચીન સંસ્કૃતિને સાચવીને રાખતું એક સ્થળ એટલે મ્યુઝિયમ. જેમાં આપણને દેશની સંસ્કૃતિ અને વારસાની સાથે ધર્મો તેમજ તે સમયના જીવનની ઝાંખી જોવા મળતી હોય છે. ત્યારે આ અમૂલ્ય વારસાને સાચવી રાખવો અને આવનારી પેઢી સુધી પહોંચાડવો ખૂબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ નામની સંસ્થાએ વર્ષ 1977માં મ્યુઝીયમને મહત્વ આપવા માટે આ દિવસની શરૂઆત કરી હતી. ભારતમાં 14 હજારથી પણ વધારે મ્યુઝિયમ આવેલા છે, જેમાં સૌથી જૂનું મ્યુઝિયમ કલકત્તામાં આવેલું છે, જ્યારે ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છમાં આવેલું છે.
અમદાવાદનું પ્રાચીન મ્યુઝિયમ: આજે આપણે વાત કરીશું એવા મ્યુઝિયમની, જેના પાયામાં અમદાવાદના જ એક ઉદ્યોગપતિ છે કે જેના નામ પરથી અને તેમના અથાક પ્રયત્નોના પરિણામે આ મ્યુઝિયમનો વિકાસ થયો છે. અમદાવાદના ઉદ્યોગપતિ કસ્તુરભાઈ કે જેમણે મુનિ પુણ્યવિજયજી પાસે એકઠી થયેલી વસ્તુઓનું સંગ્રહાલય બનાવ્યું અને ધીરે ધીરે તેમાં ઘણી વસ્તુઓ ઉમેરાતી ગઈ. ગુજરાત યુનિવર્સિટી અને એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજ પાસે આવેલું આ મ્યુઝિયમ એટલે લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ જેમાં 4000 કરતાં વધુ પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ કેવી રીતે આકાર પામ્યું: લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમના ડાયરેકટર સુજાતા પરસાઈએ જણાવ્યું કે, 1963માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી વિભાગની સ્થાપના થઇ. જેમાં બે વ્યક્તિનું ખાસ યોગદાન છે. એક તો શેઠ કસ્તુરભાઈ લાલભાઈ અને બીજા મુનિ પુણ્ય વિજયજી. મુનિજી પાસે ઘણા ગ્રંથો, પુસ્તકો, સ્કલપચર હતા તો તેમણે કસ્તૂરભાઈને કહ્યું કે, 'હું તમને આ બધી વસ્તુઓ આપુ, પણ તમે એક એવી સંસ્થા બનાવો કે જે તેને સાચવે, જાણવણી કરે, રિસર્ચ કરે'. ત્યારબાદ ઘણા વર્ષ સુધી ગિફ્ટમાં વસ્તુઓ આવતી રહી. આવી રીતે ઘણી વસ્તુઓ એકઠી થઈ અને આખરે 1985માં આ મ્યુઝિયમની સ્થાપના થઇ. સુજાતાજીએ જણાવ્યું કે, 'મ્યુઝિયમની શરૂઆત જૈન વસ્તુના કલેક્શનથી કરવામાં આવી હતી. મેન્યુ સ્ક્રિપ્ટની 80,000 હસ્તપ્રત છે. 2000 વર્ષ જૂના બુદ્ધ ગાંધાર અને મથુરા શૈલીના સ્કલપચર છે. હિન્દુ, બુદ્ધિસ્ટ, જૈન એમ આખા દેશના બધા જ ધર્મોને રજૂ કરતા સ્કલપચર છે. અમારી પાસે મેન્યુ સ્ક્રિપ્ટ, વુડ વર્ક કલેક્શન, ટેકસ ટાઇલ કલેક્શન છે. અમે વિવિધ પ્રોગ્રામ પણ કરતા હોઈએ છીએ, જેવા કે મ્યુઝિયમ પાઠશાળા, સમર પ્રોગ્રામ, સિનિયર સિટીઝન પ્રોગ્રામ.'
મ્યુઝિયમના ક્યુરેટર: લાલભાઈ કસ્તુરભાઈ મ્યુઝિયમમાં ક્યુરેટર તરીકે તેમજ મ્યુઝિયમ એજ્યુકેશન અને આઉટરીચ વિભાગ સંભાળનાર પ્રિયંકા કૂંડુંએ જણાવ્યું કે, તેઓ 2018 થી આ મ્યુઝિયમ સાથે જોડાયેલ છે. તેઓ મ્યુઝિયમનાઅ કલેક્શન અને લોકોને જોડવાનું કામ કરે છે. જેમાં તેમનું કહેવું છે કે કલેક્શન તો સરખું જ રહેવાનું જ છે આથી તેને પ્રેજન્ટ કરવાનું અને બોલવાની રીતમાં તેઓ બદલાવ કરતાં હોય છે. જે કે નાના બાળકો, યુવાનો, રિસર્ચર, અનુભવી લોકો બધાની માટે અલગ અલગ પ્રેજેન્ટ કરવાની રીત અપનાવે છે. આ સિવાય તેમણે જણાવ્યું કે મ્યુઝિયમનું કલેક્શન મેનેજમેન્ટનું કામ તેમના સીનીયર સુનિંધા સુધાકરજી કરે છે. જેમાં કયા શિલ્પો, આકૃતિઓને કયા વિભાગમાં મૂકવા તેનું કામ કરવાનું હોય છે.
કાજલ શર્માનો અનુભવ: લાલભાઈ કસ્તુરભાઈ મ્યુઝિયમમાં 6 મહિના પહેલા જ જોડાયેલ કાજલ શર્માએ જણાવ્યું હતું કે, 'હું પંજાબથી આવી છું. મને અહીં આવીને ઘણું શીખવા મળ્યું, અમદાવાદ એ પહેલું હેરિટેજ શહેર છે અને મારા કરિયરની શરૂઆત પણ અહીંથી થઈ. મને આ ફિલ્ડમાં ઘણો જ રસ છે. રોજે મને કંઈક નવું શીખવા મળે છે. લોકો સાથે વાત કરતા જ્ઞાનનો વિકાસ થાય છે'.
લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમમાં સંગ્રહ કરાયેલી તમામ વસ્તુઓને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવી છેઃ (1) શ્રીમતી મધુરી દેસાઈ ગેલરી (2) મુનિ પુણ્યવિજયજી ગેલરી (3) પી. ટી. મુનશી સિક્કા સંગ્રહ (4) હરપ્પા સંગ્રહ.
મધુરી દેસાઈ ગેલરી: મધુરી દેસાઈ એ મુંબઈના પ્રતિષ્ઠિત ભૂલાભાઈ દેસાઈના પુત્રવધૂ છે. આ વિભાગમાં ઈ. સ. પૂર્વે બીજી સદીથી ઈ. સ. 17મી સદી સુધીના શિલ્પોનો સંગ્રહ છે. તેમાં શૃંગ, મથુરા, ગાંધાર, ગુપ્ત, ઉત્તરકાલીન ગુપ્ત, પાલ, ગંગા, ચોલા જેવી વિવિધ શૈલીઓ અને પશ્ચિમી ભારતનાં પુરાતત્ત્વીય શિલ્પો જોવા મળે છે. ગુજરાતના ભાવનગર જિલ્લાના ગોગામાંથી મળી આવેલ જૈન કાંસ્ય મૂર્તિઓ તથા મથુરા, નાલંદા, નેપાળ, તિબેટ વગેરે સ્થળોએથી મળી આવેલ બૌદ્ધ પ્રતિમાઓનો પણ અહીં સમાવેશ થાય છે.
ભારતીય ઉપખંડ તથા અગ્નિ એશિયામાંથી મળી આવેલી રામની મૂર્તિઓમાંથી સૌથી પ્રાચીન મૂર્તિ આ મ્યુઝિયમમાં છે. મહારાષ્ટ્રના નંદુરબાર નજીક સિરપુરમાંથી મળી આવેલી કાંસામાંથી બનેલી આદિનાથની જૈન 11મી સદીની મૂર્તિ પણ અહીં છે. સૌરાષ્ટ્રના ઘોઘામાંથી મળી આવેલાં કાંસામાંથી બનેલાં અગિયારમી સદીનાં આશરે સવા સો જૈન શિલ્પો પણ અહી આવેલા છે. 1636માં અમદાવાદમાંથી મળી આવેલી કાંસામાંથી બનેલી જૈન દેવી પદ્માવતીની ચોવીસ હાથવાળી મૂર્તિનો પણ આ મ્યુઝિયમના કલેક્શનમાં સમાવેશ થાય છે.
મુનિ પુણ્યવિજયજી ગેલરી: મુનિ પુણ્યવિજયજી વિભાગમાં તેમનો અંગત સંગ્રહ સચવાયેલો છે, જેમાં ગુજરાતી, રાજસ્થાની, દખ્ખણી અને મુઘલ ચિત્રો જોવા મળે છે. બારમી સદીમાં ચિતરાયેલું તાડપત્ર પણ અહી મુકવામા આવ્યું છે. 1940ના વર્ષ દરમિયાન પુણ્યવિજયજી દ્વારા એકઠા કરવામાં આવેલા આ સંગ્રહમાં ગુજરાતી, દખ્ખણી, રાજસ્થાની અને મોઘલ ચિત્રો છે. દખ્ખણી ચિત્રોમાં ઔરંગાબાદ અને પૈઠણ શૈલીના ચિત્રો તથા રાજસ્થાની ચિત્રોમાં જયપુર, જોધપુર, મારવાડ, સિરોહી ઉપશૈલીના ચિત્રો છે. તાડપત્રો પર હસ્તપ્રતો માટે તૈયાર કરાયેલા દુર્લભ ચિત્રો પણ અહીં સચવાયેલા છે.
પી. ટી. મુનશી સિક્કા વિભાગ: ઈ. સ. પૂર્વ 600ની પંચમાર્ક મુદ્રાઓ, અકબરની દીન-એ-ઇલાહી મુદ્રાઓ, જહાંગીરના સમયના ચાંદીના બાર રાશિ-સિક્કાઓ અને આદિલશાહના ‘લરિન’ અહીં પ્રદર્શિત છે. આ ઉપરાંત ગાંધાર, ગુપ્ત, મૌર્ય, આહત, ગ્રેકોરોમન, ગુજરાતી સલ્તનત, શક, કુષાણ અને મુઘલ સિક્કાઓ અહીં મુકાયેલા છે.
સૌથી જૂનું મ્યુઝિયમ: આ સંગ્રહમાં શુંગ રાજવંશનું આશરે બીજી સદીનું સૌથી જૂનું શિલ્પ આવેલું છે. આ ઉપરાંત કુષાણકાળના ગાંધાર-શૈલીનાં તેમજ મથુરા-શૈલીનાં કેટલાંક શ્રેષ્ઠ શિલ્પો આ સંગ્રહમાં છે. ગાંધારનું ચોથી સદીનું પ્લાસ્ટરમાંથી બનેલું ગ્રીક અને રોમન જેવા બુદ્ધનું પૂરા કદ કરતાં પણ મોટું શિલ્પ અહી છે. ગુજરાતમાંથી મળી આવેલ મૂર્તિઓમાં સિદ્ધરાજ જયસિંહનું શિલ્પ મુખ્ય છે. તેરમી સદીનું આ શિલ્પ ઠક્કર વિલ્હન નામના શિલ્પીએ તૈયાર કરેલું છે. મ્યુઝિયમમાં મૂકેલા શિલ્પો માત્ર એક મૂર્તિકારનું જ કામ નથી હોતું. તેમાં ગણિત, વિજ્ઞાન અને ફિઝિક્સ પણ કામ કરતા હોય છે. જેનું ઉદાહરણ જૂના પુરાણા મંદિરો છે. જેમાં ઘણા પરિબળો કામ કરતા હોય છે. દિશા જોવામાં આવતી હોય છે. યોગ્ય માપ લેવામાં આવે. ખૂણાઓ નક્કી થાય. જેથી આ કોઈ ઇતિહાસ કે સોશિયોલોજી જ નહિ પરંતુ આ દરેક ફિલ્ડના લોકો માટે આ કલાને સમજવી જરૂરી છે.
આવનારી પેઢી માટે: જેમ જેમ નવી જનરેશન આવી રહી છે. તેઓ ભારતીય કલા અને વારસાથી દૂર થઈ રહ્યા છે. ત્યારે આ પેઢી પણ આ વારસાને માત્ર ભૂતકાળ ન ગણીને તેને પોતાના વર્તમાન સમયમાં પણ સામેલ કરે તે ખૂબ જ જરૂરી છે. દરેક વસ્તુની એક સ્ટોરી છે, સંવેદના છે, આપણી ફરજ અને જવાબદારી છે કે તેને નવી પેઢી સુધી લઈ જઈએ. આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે 400 એકરના વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ નિર્માણ પામી રહ્યું છે. વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં સમુદ્રી વારસાને પ્રોત્સાહન આપ્યું હતું.