કચ્છ: આજના આધુનિક યુગમાં મોબાઇલના વધતા ચલણની સાથે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સહિતના દૂષણ પણ વધી રહ્યા છે. આપણો ભારત દેશ દુનિયામાં સૌથી વધુ યુવા આબાદી ધરાવતો દેશ છે. યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવા સાથે પોલીસ દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને દેશના યુવાનો ડ્રગ્સની લતે ન ચડે એ માટે જાગૃતિ ફેલાવાઇ રહી છે.
નાર્કોટિકસ ડ્રગ્ઝ જનજાગૃતિ અભિયાન: પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા નાર્કોટિકસ ડ્રગ્ઝ જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય કેફી પદાર્થના દુરપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરૂધ્ધ દિવસ હોવાથી જનજાગૃતિ ફેલાવવા સાંજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના યુવાનો ડ્રગ્સની લતે ન ચડે એ માટે જાગૃતિ: ભુજમાં જ્યુબિલી સર્કલથી આ રેલીની શરૂઆત થઈ હતી જે વાણીયાવાડ અને બસ સ્ટેશન થઈ હમીરસર આવી આ રેલી વિરામ પામી હતી. આ રેલીમાં જોડાનાર સૌ લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા. રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓને ડ્રગ્સના પ્રકાર અને તેનાથી થતી આડ અસરો સહિતની બાબતે માહિતી આપવામાં આવી હતી તેમજ શાળા કોલેજની આસપાસ કે અન્ય કોઈ સ્થળે આ પ્રમાણે ડ્રગ્સનું વેચાણ થતું હોય તો પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો હતો. માહિતી આપતા વ્યક્તિનું નામ અને ઓળખ ગુપ્ત રહેશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી.
પોલીસ દળ અને બીએસએફના જવાનો પણ જોડાયા: આ રેલીમાં ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજા, પાર્થ ચોવટીયા, એસઓજી પીઆઇ વી.વી.ભોલા, એલસીબી સંદીપસિંહ ચુડાસમા, ભુજ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર. જે. ઠુંમર સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, બીએસએફના જવાનો આ રેલીમાં જોડાયા હતા.