અમદાવાદ: બ્રહ્માંડ હંમેશા વિસ્મય અને અજાયબીનો વિષય રહ્યું છે. રાત પડે ને જો આકાશ પર નજર કરીએ વિવિધ તારા મંડળો, ગ્રહો, ઉપગ્રહો નજરે પડે છે અને મનમાં અનેક પ્રશ્નો ઉદભવે છે કે આ તારા કેવી રીતે બન્યા હશે, આ બ્રહ્માંડ કેવી રીતે બન્યું હશે, પૃથ્વી ગોળ છે છે તો આપણે પડી કેમ નથી જતા, ઉલ્કાવર્ષા કેવી રીતે થતી હશે, સ્પેસ કેવી રીતે કામ કરે છે ? આ તમામ માહિતીઓની લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ક્યારે થઈ શરૂઆત?: આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ સૌપ્રથમ 1973માં ડગ બર્જર દ્વારા ઉજવવામાં આવ્યો હતો. તેઓ તે સમયે ઉત્તરી કેલિફોર્નિયાના એસ્ટ્રોનોમિકલ એસોસિએશનના પ્રમુખ હતા. તેમનો હેતુ ખગોળશાસ્ત્રના વિશાળ ક્ષેત્રમાં સામાન્ય લોકોની રુચિ વધારવાનો હતો.
તન્મયઝ અમેઝિંગ સ્પેસઃ ઈસરો દ્વારા માન્યતા પ્રાપ્ત સ્પેસ ટ્યુટર તન્મય વ્યાસ દ્વારા તન્મયઝ અમેઝિંગ સ્પેસ શરૂ કરવામાં આવ્યું છે. તન્મય વ્યાસ કે જે 1986થી ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં છે. અત્યાર સુધીમાં 100,000 થી વધુ લોકોને ટેલિસ્કોપ અવલોકનો કરાવ્યા છે. એમના કહેવા મુજબ, આ સ્પેસ સેન્ટર ખગોળશાસ્ત્રને જનતાની નજીક લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તમામ ઉંમરના લોકોમાં બ્રહ્માંડને લઈને જે જિજ્ઞાસાઓ હોય છે તે હવે અમદાવાદમાં પૂરી થઈ શકશે.
નાનાથી લઈને મોટા સુધી ખગોળ જેટલું પણ પીરસાય અને એ પણ સરણ ભાષામાં એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યાં સૂર્યમાળા હોય, ચંદ્રની સપાટી હોય, એસ્ટ્રોનોટની વાતચીત હોય, બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈને ટેલિસ્કોપના ઉપયોગ દ્વારા પણ લોકોને માહિતગાર કરવામાં આવશે. બાળકોને વાર્તાઓ દ્વારા ખગોળીય ઘટનાઓથી પરિચિત કરવામાં આવશે...તન્મય વ્યાસ(સ્પેસ ટ્યુટર,અમદાવાદ)
સ્પેસ હબની વિશેષતા: ગગન યાન, ઇસરો, રોકેટ, બિગ બેંગ, તારાઓના જન્મ, તારાઓનું મૃત્યુ, નક્ષત્ર, ભારતીય પ્રાચીન ખગોળ, વિશ્વના અવકાશ આર્કિટેક્ટ્સ, તારાવિશ્વો, અવકાશયાત્રીઓ, સ્પેસ લોંચ, પૃથ્વી, ચંદ્ર, ગ્રહો, કોસ્મોલોજી, સુપરનોવા વગેરેની અનોખી સફર પર લઈ જશે. અવકાશના અજાયબીઓના 3D દૃશ્યો "ફ્લાય મી ટુ ધ મૂન" સપાટી તમને માઇક્રો ગ્રેવીટી સમજવામાં મદદ કરશે.
સ્પેસ દર્શનનો અનોખો અનુભવ: આ સ્પેસ સેન્ટર પર ખગોળ વિજ્ઞાનીઓ વિશે માહિતી, તારા દર્શન, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન, બ્લેક હોલ સહિત સ્પેસમાં કંઇ વસ્તુઓ અવકાશયાત્રીઓ લઈને જઈ શકે છે તેની રેપ્લિકા પણ તૈયાર કરવામાં આવી છે. રોકેટ કેવી રીતે કામ કરે છે, તારાઓ આપણાથી કેટલા દૂર છે. આ તમામ ખગોળીય માહિતીઓ તમામ લોકો મેળવી શકશે.
બ્રહ્માંડ વિશેની અમુક રોચક બાબતો: બ્રહ્માંડની ઉંમર 13.7 અબજ વર્ષ છે.આકાશગંગાનું નામ મિલ્કી વે છે જેને આપણે મંદાકિની તરીકે ઓળખીએ છીએ.એક એક આકાશગંગામાં સૂર્ય જેવા અબજો તારાઓ છે. જો તમે એક મિનિટમાં 100 તારા ગણી શકો તો આકાશગંગામાં તમામ તારાઓ ગણતા તમને બે હજાર વર્ષ લાગેબ્રહ્માંડનો સૌથી મોટો તારો યૂ વી સ્કૂટી છે જે સૂરજ કરતા 1700 ગણો મોટો છે.