અમદાવાદઃ દેશના 2 અલગ અલગ રાજ્યોના ડીજીપી 2 સાગ ભાઈ હોય તેવી પોલીસ ડીપાર્ટમેન્ટના ઈતિહાસમાં સૌ પ્રથમ ઘટના ઘટી છે. આ ઘટના ઘટી છે સહાય બંધુઓ સાથે. પશ્ચિમ બંગાળના ડીજીપી તરીકે વિવેક સહાયની નિમણૂક થતા આ અભૂતપૂર્વ સંયોગ સર્જાયો છે. વિવેક સહાયના ભાઈ વિકાસ સહાય છેલ્લા 1 વર્ષથી ગુજરાતના ડીજીપી છે. આમ, બંને સહાય બંધુઓ 2 અલગ અલગ રાજ્યના ડીજીપી બન્યા છે.
સહાય પરિવારમાં આનંદોઃ મૂળ બિહારના એવા સહાય પરિવારના 2 કુળદીપક 2 અલગ અલગ રાજ્યના ડીજીપી બન્યા છે. આ ઘટના પોલીસ ડીપાર્ટમેન્ટમાં સૌ પ્રથમ વખત બની છે. આ ઘટનાને લીધે સહાય પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. મિત્રો, સગા-સંબંધી અને પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી સહાય પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સહાય પરિવારમાં કુલ 3 સંતાનો છે. જેમાં સૌથી મોટા વિવેક સહાય અને ત્યારબાદ વિકાસ સહાય બંને ડીજીપી છે. જ્યારે ત્રીજા અને સૌથી નાના ભાઈ વિક્રમ સહાય 1992ની બેચના આઈઆરએસ અધિકારી છે.
વિવેક સહાયઃ સહાય પરિવારના સૌથી મોટા વિવેક સહાય પશ્ચિમ બંગાળ કેડરના 1988 બેચના IPS છે. મે-2024ના અંતમાં નિવૃત્ત થઈ રહેલાં વિવેક સહાયને પશ્ચિમ બંગાળના પોલીસ વડા બનાવવામાં આવ્યાં છે.ચૂંટણી પંચે આજે પશ્ચિમ બંગાળના પોલીસ વડા રાજીવકુમારને હટાવીને આઈપીએસ વિવેક સહાયને નિયુક્ત કર્યા છે. ડીજીપીના પદ માટે 3 નામ મોકલવામાં આવ્યા હતા. જેમાં વિવેક સહાયનું નામ સૌથી ઉપર હતું. તેઓ ડીજી હોમ ગાર્ડના પદે ફરજ બજાવતા હતા. અન્ય નામોમાં આઈપીએસ સંજય મુખરજી અને આઈપીએસ રાજેશકુમાર પણ સામેલ હતા. ચૂંટણી પંચે વિવેક સહાયને પશ્ચિમ બંગાળના ડીજીપી બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાને લીધે બંને ભાઈઓ 2 અલગ અલગ રાજ્યના ડીજીપી બન્યા હોય તેવો સંયોગ સર્જાયો છે.
વિકાસ સહાયઃ વિવેક સહાયના નાનાભાઈ 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ 1999માં આણંદ એસપી બન્યા. 2001માં અમદાવાદ રુરલમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ તત્કાલીન ગોધરાકાંડમાં ઈજાગ્રસ્ત પણ થયા હતા. 2002માં અમદાવાદમાં જ ઝોન 2 અને 3ના ડીસીપી તરીકે તેમણે કાઠું કાઢ્યું હતું. 2004માં ટ્રાફિક ડીસીપી, 2005મા એડિશનલ ટ્રાફિક સીપી સુધી અમદાવાદમાં જ રહ્યાં. ત્યારબાદ 2007માં તેઓ એડિશનલ સીપી તરીકે સુરતમાં પોસ્ટેડ હતા. 2008માં જોઈન્ટ સીપી સુરત, 2009માં આઈજી (સિક્યુરિટી), 2010માં આઈજી(સીઆઈડી) અને આઈજી આઈબી તરીકે સુરતમાં જ ફરજ બજાવી ચૂક્યા છે.