પોરબંદર : ત્વરિત અને સંકલિત કાર્યવાહીના નોંધપાત્ર પ્રદર્શનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) 26 ડિસેમ્બરના રોજ ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજદારે હરામના નવ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા છે. આ સાહસિક માનવતાવાદી શોધ અને બચાવ મિશન ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
MSV તાજદારે હરમ ડૂબ્યુ : યાંત્રિક સઢવાળું જહાજ (ધો) MSV તાજદારે હરામ, જે મુન્દ્રાથી રવાના થયુ હતુ અને સોકોત્રા, યમન તરફ જઈ રહ્યું હતુ. 26 ડિસેમ્બરના રોજ સમુદ્રનું પાણી જહાજમાં ઘુસી જવાના કારણે ડૂબી ગયું હતું. આ બાબતે ડિસ્ટ્રેસ કોલનું નિરીક્ષણ ICG ડોર્નિયર એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જે સર્વેલન્સ પર હતું, જેણે તાત્કાલિક મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) મુંબઈ અને ICG પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ) ગાંધીનગરને ચેતવણી આપી હતી.
નાવિકોની વ્હારે આવ્યુ ભારત : ફોરવર્ડ એરિયા પેટ્રોલિંગ પર ICG શિપ શૂરને મદદ પૂરી પાડવા માટે તરત જ જાણ કરેલ સ્થાન તરફ મદદે પહોંચ્યું હતુ. આ વિસ્તારમાં નાવિકોને ચેતવણી આપવા માટે MRCC પાકિસ્તાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પ્રતિકૂળ દરિયાઈ સ્થિતિમાં મુંબઈ મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCCs) વચ્ચે ગાઢ સહયોગ જોવા મળ્યો.
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન : ICGS શૂર સંભવિત સ્થાન પર મહત્તમ ઝડપે આગળ વધ્યું અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ડૂબતા જહાજના 9 ક્રૂ મેમ્બર્સે તેમના જહાજને છોડી દીધું હતું અને નાના લાઇફરાફ્ટમાં આશરો લીધો હતો. તેઓ 26 ડિસેમ્બર 24 ના રોજ લગભગ 16:00 કલાકે પાકિસ્તાનના શોધ અને બચાવ ક્ષેત્રમાં પોરબંદરથી આશરે 311 કિમી પશ્ચિમમાં સ્થિત હતા. તેમને બચાવ્યા અને તે પછી તરત જ જહાજ ડૂબી ગયુ હતુ.
9 ક્રૂ સભ્યોને બચાવ્યા : ICGS શૂર પરની તબીબી ટીમ દ્વારા બચાવી લેવામાં આવેલા 9 ક્રૂ સભ્યોની તપાસ કરવામાં આવી અને તેમની તબિયત સારી હોવાનું જાણવા મળે છે. તેમને ગુજરાતના પોરબંદર હાર્બર ખાતે લાવવામાં આવી રહ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એકવાર તેના મુદ્રાલેખ "वयं रक्षामः" અથવા "અમે રક્ષણ કરીએ છીએ" ને સાર્થક કરી સમુદ્રમાં રક્ષા માટે પોતાનું સમર્પણ અને પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડનો ત્વરિત અને સંકલિત પ્રતિસાદ દરિયામાં જીવનની સુરક્ષા માટે તેની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ સાહસિક બચાવ કામગીરી ICG ની ક્ષમતાઓ અને પ્રદેશમાં દરિયાઈ કટોકટીને સંબોધવા માટેની તૈયારી દર્શાવે છે.