ETV Bharat / state

જુઓ: છોટા ઉદેપુરમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી, કલેક્ટરે ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી કરવા આપી સલાહ - Independence Day 2024 - INDEPENDENCE DAY 2024

નસવાડી ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરાઈ હતી. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ કહ્યું જિલ્લામાં નારીશક્તિનું ગૌરવ વધારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે - Independence Day 2024

છોટા ઉદેપુરમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી
છોટા ઉદેપુરમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 15, 2024, 7:59 PM IST

છોટા ઉદેપુરમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી (Etv Bharat Gujarat)

છોટાઉદેપુરઃ નસવાડીમાં રેવા જીનિંગ ફેક્ટરી ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ-આનંદભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ તિરંગો લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન બાદ જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરીને નાગરીકોનું અભિવાદન જીલ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર નામી-અનામી શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે, આજથી 11 વર્ષ પહેલાં 15મી ઓગષ્ટ 2013ના રોજ વડોદરા જિલ્લામાંથી સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ છોટાઉદેપુર જિલ્લાએ અસાધારણ વિકાસ સાધ્યો છે. જિલ્લાવાસીઓને શિક્ષણ, આરોગ્ય, પાણી, રોડ-રસ્તાઓ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળી રહ્યા છે.

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા સલાહ

કલેક્ટરે જિલ્લામાં વધી રહેલા પ્રાકૃતિક કૃષિના વ્યાપ અંગે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 30,410 ખેડૂતોએ 23,381 એકરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. જિલ્લાના 39,588 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ખેડૂતોને પાક વાવણી સમયે આર્થિક મદદ મળી શકે તે માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે રૂ. 6000 ની આર્થિક સહાય મળી રહી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખ 19 હજાર ખેડૂતોને રૂ. 278.80 કરોડની સહાય ચુકવવામાં આવી છે.

ધામેલીયાએ જિલ્લામાં નારીશક્તિનું ગૌરવ વધારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જણાવીને જિલ્લામાં અત્યાર સુધીમાં 10,000 થી વધુ સ્વ-સહાય જૂથોની રચના કરીને તેમને રૂ. 816 લાખથી વધુનું રિવોલ્વિંગ ફંડ, રૂ. 5,819 લાખનું સી.આઈ.એફ. ફંડ, 26.07 લાખનું સ્ટાર્ટઅપ ફંડ તેમજ કેશ ક્રેડિટ આપવામાં આવી રહ્યું હોવાનું ઉમેર્યું હતું.

બહેનો આત્મનિર્ભર થવા તરફ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લાની સખી મંડળની બહેનો આત્મનિર્ભર બનવા તરફ વિશ્વાસથી આગળ વધી રહી છે અને તેઓનો સામાજિક દરજ્જો પણ વધ્યો છે. પોતાના ઘરના, ગામના, સમાજના અને અન્ય મહત્વના નિર્ણયોમાં તેઓનું યોગદાન પ્રસંસનીય રીતે વધી રહ્યું છે અને તેઓની સરાહના પણ થઇ રહી છે.

રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ ભણીગણીને આગળ વધે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવીને ‘નમો લક્ષ્મી યોજના’માં વિદ્યાર્થિની દીઠ રૂ. 50 હજાર અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ વિદ્યાર્થીઓને બે વર્ષમાં રૂ. 25,000ની સહાય આપવામાં આવે છે તેમ ઉમેર્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવી કલેક્ટરે ઉમેર્યું હતું કે, વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના ‘પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-આયુષ્માન ભારત’ હેઠળ મળતી સહાયને રાજ્ય સરકારે પરિવારદીઠ 5 લાખથી વધારીને 10 લાખ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 4,72,327 લોકોને આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં મનરેગાની વિવિધ યોજનાઓ દ્વારા 371 નવીન આંગણવાડીનું બાંધકામ અને ૭૯ જર્જરિત આંગણવાડીના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ૯૬ પંચાયત ઘરોના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે.

જિલ્લામાં રોજગારીની વાત કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે, મનરેગા યોજના અંતર્ગત વર્ષ 2023-24માં કુલ 36,542 કુટુંબોના 51,885 શ્રમિકોને રોજગારી આપીને શ્રમિકોને તેઓની મજુરી પેટે રૂ.4590.50/- લાખ અને માલસામાન ખર્ચ પેટે રૂ. 808.14/- લાખનું ચુકવણું કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સરહદી ગામોનો સામુહિક વિકાસ સાધી શકાય અને માળખાકીય સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત વર્ષ- 2023-24માં કુલ રૂ.1162.44/- લાખની વહીવટી મંજુરી આપવામાં આવી છે. જેમાં સબ-સેન્ટર, આંગણવાડી કેન્દ્ર, પશુ આરોગ્ય સેવા કેન્દ્ર, રસ્તા, નાળા તેમજ શિક્ષણ માટેની ભૌતિક સુવિધાઓ માટે રૂ.530/- લાખની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રાયોજના વહીવટદારની કચેરીની વ્યક્તિગત યોજનાઓમાં પણ જિલ્લાવાસીઓને લાભ આપવામાં આવે છે.

લોકાર્પણ અને ખાતમુહૂર્તની માહિતીઓ પણ આપી

ધામેલીયાએ જણાવ્યું હતું કે, વિશ્વ આદિવાસી દિવસના રોજ જિલ્લામાં રૂ.268 લાખના ખર્ચે થયેલા 92 કામોનું લોકાર્પણ અને રૂ.1040 લાખના ખર્ચે થનાર 205 કામોનું ખાતમુહૂર્ત મળી કુલ રૂ.1308 લાખના 297 કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોથી જિલ્લાવાસીઓને વધુ સારી સુવિધાઓ મળી રહેશે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના હસ્તે જિલ્લાના વિકાસકામો માટે રૂ.25 લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને અર્પણ કરવામાં આવ્યો હતો. વિવિધ શાળા-કોલેજો અને સંસ્થાઓ, દેશભક્તિ ગીત, રાસ-ગરબા પિરામિડ તથા આદિવાસી લોક નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ તથા રાજ્ય-જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આ કાર્યક્રમમાં સાંસદ જશુ રાઠવા, ધારાસભ્યો, જયંતી રાઠવા, અભેસિંહ તડવી, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, અગ્રણીઓ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

  1. મહીસાગરમાં જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કર્યુંઃ કહ્યું 'યુવાનો રાષ્ટ્રની ઉર્જા છે' - Independence day 2024
  2. આજથી પારસીઓના નવા વર્ષનો પ્રારંભઃ જાણો તેમના ઈતિહાસ અંગે - Parsi New Year 2024

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.