અમદાવાદ: ગુજરાતમાં માધવ ગ્રુપ ઓફ કંપની સાથે સંકળાયેલા અમદાવાદ અને વડોદરા સહિત પરપ્રાંતમાં અંદાજે 27 સ્થળો પર આવકવેરા વિભાગે આજે વહેલી સવારથી દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી માધવ ગ્રુપ ઓફ કંપનીમાં વહેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં 27 સ્થળો પર તપાસ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે અને ગુજરાતમાં 27 સ્થળો પર આજે વહેલી સવારથી જ તપાસ ચાલી રહી છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માધવ ગ્રુપની કોર્પોરેટ ઓફિસ આવેલી છે. ત્યાં આજે સવારથી જ ઓફિસ બહાર હથિયારધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા માધવ ગ્રુપની ઓફિસે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
કંપનીની મુખ્ય ઓફિસ સુભાનપુરામાં:આ ગ્રુપ રેલ્વે ઓવરબ્રિજ હાઈવે તેમજ સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ કંપનીના MD અશોક ખુરાના છે. કંપની દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બ્રિજ અને હાઇવે પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. કંપની વડોદરા સિવાય બેંગલુરૂ, ભોપાલ, દહેરાદુનમાં પોતાની બ્રાન્ચ ઓફિસ ધરાવે છે. આ તમામ ઓફિસોમાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
IT વિભાગ દ્વારા મહત્ત્વના દસ્તાવેજો જપ્ત: આ ઉપરાંત આવકવેરા વિભાગે દરોડા દરમિયાન આજે વહેલી સવારથી અધિકારીઓની 27 ટીમોએ દેશ વ્યાપી દરોડામાં મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. જેમાંથી કરોડો રૂપિયાની કરચોરી ઝડપાવવાની શક્યતા રહેલી છે. બ્રિજ હાઇવે અને સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલી માધવ ગ્રુપની વડોદરા, અમદાવાદ સહિત બીજા રાજ્યોની ઓફિસોમાં દરોડા પાડવાની કામગીરી ચાલુ છે.