મહીસાગર, બાલાસિનોર: બાલાસિનોર નગરમાં પશ્ચિમ બંગાળના કલકત્તા જેવી ઘટના ઘટતા રહી ગઈ હતી. મેડિકલમાં અભ્યાસ કરતી એક યુવતીની સતર્કતાને લઈ બાલાસિનોર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને રોમિયોને ઝડપી પાડ્યા. આવી સતર્કતા અંગે આપણે જાણતા તો હોઈએ છીએ પરંતુ જે તે પરિસ્થિતિ વખતે તેને યાદ કરી તેના પર અમલ કરવા જાણે દરેક ક્યાંક ઉણાં ઉતરી જતા હોય છે. આ ઘટનાથી ફરી મહિલાઓને તેમની હિંમતને જગાડવાની તક મળશે.
ઘટનાની ટુંકી વિગતઃ દિવસે'ને દિવસે રાજ્યમાં શાળા, કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પર છેડતી તેમજ બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે થોડાક દિવસો પહેલા દેશના પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે મેડિકલ સ્ટુડન્ટ પર તકનો લાભ ઉઠાવી બળાત્કાર કરી યુવતી ને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના સામે આવતા જ દેશ ભરમાં તેનો ખૂબ વિરોધ થયો હતો અને ડોક્ટરોએ રેલી તેમજ કામગીરી ન કરી તેનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આવી જ એક ઘટના મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં ઘટતા ઘટતા રહી ગઈ હતી. તેનું મુખ્ય કારણ વિદ્યાર્થિનીની સતર્કતા હતી. વિદ્યાર્થિનીએ પોતાની સમય સૂચકતા અને બુદ્ધિનો ઉપયોગ કરી બાલાસિનોર પોલીસને જાણ કરતા આ બંને રોમિયો પકડાયા હતા.
કેવી રીતે બની સમગ્ર ઘટનાઃ મહીસાગર જિલ્લાના બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના નવ કલાકની આસ પાસ એક વિદ્યાર્થિની બાલાસિનોર બસ સ્ટેશન ખાતે રિક્ષાની રાહ જોઈ રહી હતી. રાત્રીનો સમય હતો અને વિદ્યાર્થિની એકલી હતી. તે સમયે બે યુવકોએ તેને ક્યાં જવું છે મુકી જઈએ તેવું કહ્યું, બાદમાં તેની એકલતાનો લાભ લઈ તેની સાથે અભદ્ર વર્તન કરવાનું શરૂ કર્યું હતું. તેમણે છેડતી કરી અને અપ શબ્દો ઉચ્ચારી લાજ લેવાના ઇરાદે તેને બોલાવવા લાગ્યા હતા. તે યુવતીએ તે બંને યુવકોને પહેલા તો જવાબ આપવાનું નક્કી કર્યું. તે બંને યુવકો મહિલાને ઘેરી જાણે લાજ લેવાના ઇરાદે આવ્યા હોય તેમ છેડતી કરવા લાગ્યા હતા. યુવતીને ડર લાગ્યો અને જોખમ જોતા યુવતી ત્યાંથી ચાલવા માંડી. પણ આ બંને યુવકો તો જાણે એકલી યુવતી એટલે આપણે મન ફાવે તેમ કરી શકીએ તેવું મનમાં ભરીને યુવતીનો બંને યુવકોએ પીછો કર્યો હતો. ત્યાં જ તે સમયે તેણીના પિતા આવી જતા તેને હુંફ મળી પણ અહીંથી બધું અટક્યું નહીં. યુવતીના પિતાએ યુવકોને ખખડાવ્યા પણ આ બંનેને તો જાણે કાયદાનો કોઈ ભય જ ન્હોતો બંનેએ યુવતી તેમજ તેના પિતાને અપ શબ્દો આપ્યા.
પિતાની નજર સામે દીકરીની લાજ જોખમાઈઃ એક પિતાની નજર સામે તેની દીકરીની છેડતી થવી તે આઘાત જનક હતી. કાયદાનો બીલકુલ પણ ભય આ બંનેને ન્હોતો. દરમિયાન સમય સૂચકતા દાખવી વિદ્યાર્થિનીએ બાલાસિનોર પોલીસને ફોન કરાી દીધો અને ઘટના અંગે જાણ કરતા પોલીસ પણ તુરંત ઘટનાની ગંભીરતા જોતા તરત જ બાલાસિનોર બસ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. બસ પછી શું હતું, ખાખી આગળ આ બંનેને પાણી ભરવું જ પડ્યું. જેને લઇ મેડિકલમાં અભ્યાસ કરતી આ યુવતીની સુરક્ષીત બચી હતી.
પોલીસે પણ ત્વરિત રીતે આ કામ પણ શરૂ કર્યુંઃ ઉલ્લેખનીય છે કે, મહીસાગર પોલીસની પણ ત્વરિત્તાને લઈ વિદ્યાર્થિની તેમજ તેનો પરિવાર સુરક્ષિત તેઓના ઘરે પહોંચ્યો હતો ત્યારે બાલાસિનોર પોલીસે આ બંને રોમિયોગીરી કરતા યુવકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગર પોલીસ દ્વારા હાલ ગુનાની ગંભીરતાને જોતા આવા એકલતા અને રાત્રિના સમયે બસ સ્ટેશનમાં પોલીસ પોઇન્ટ તેમજ સવાર દરમિયાન શાળાએ કોલેજો આશ્રમશાળાઓ જેવી જાહેર જગ્યાઓ ઉપર પોલીસનો ચાંપતો બંદોબસ્ત મૂકી દીધો છે. હાલ મહીસાગર પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે કે, આવા જાહેર સ્થળો ઉપર કોઈપણ રોમિયો ગીરી કરતો યુવક કા તો છેડતી કરતો યુવક હોય તો 100 નંબર તેમજ મહિલા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: