સુરતઃ હાલમાં હજુ રાજ્ય વડોદરામાં થયેલા ગેંગરેપની ઘટનાના આઘાતથી બહાર આવ્યું નથી ત્યાં સુરતમાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે અને અહીં પણ એવી જ રીતે બે વ્યક્તિ બેઠા હતા અને આવી ચઢીને યુવક પર હુમલો કરી પીડિતાને નિશાન બનાવી હતી. વડોદરાની ઘટનામાં તુરંત પોલીસ કાર્યવાહીથી અન્ય શખ્સોમાં એક ધાક બેસવી જોઈતી હતી પરંતુ અહીં તો આ શખ્સોને જાણે કોઈ ફેર જ પડ્યો નથી તેવું લાગી રહ્યું છે.
યુવક મિત્રને ભગાડી મુક્યો
સુરતના માંગરોળ ખાતેના મોટા બોરસરા ગામમાં દુષ્કર્મની વધુ એક જધન્ય ઘટનાની ફરિયાદ પ્રમાણે, આ ગામની સીમમાં એક સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. આ દરમિયાનમાં ત્યાં ત્રણ શખ્સો આવી ચઢ્યા અને સગીરા અને તેના યુવક મિત્રને માર માર્યો હતો. આ ઈસમોએ યુવકને માર મારી ત્યાંથી ભગાડી મુક્યો હતો. યુવક પણ જાણે ડરી ગયો અને ત્રણ ઈસમોથી પોતાની મિત્રને બચાવી શક્યો નથી. આ દરમિયાનમાં ત્રણે શખ્સોએ વારાફરતી કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું.
સ્થાનિકો આવી પહોંચ્યા
આ દરમિયાનમાં સ્થાનિકો આવી જતા ત્રણેય ઈસમો મોબાઈલ અને રોકડા લઈને ભાગી ગયા હતા. ત્રણ પૈકીના બેની ઓળખ તો થઈ ગઈ છે. પણ અહીં કિશોરી અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી અને તેને તુરંત સારવારની જરૂર હોઈ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બીજી બાજુ હવે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તુરંત અલગ અલગ ટીમ ગઠીત કરીને આરોપીઓને પકડવાનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે કહ્યું કે પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે અને સગીરા સાથે રહેલા યુવકને સાથે રાખી પોલીસે સ્થળ પર જઈ જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. સાથે જ પોલીસ ઝડપથી આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કરીને ચારજશીટ દાખલ કરી કડક સજા થાય તેવી કાર્યવાહી કરશે.