જૂનાગઢ: આજથી વિક્રમ સંવત 2081 ના નવા વર્ષનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે દેશ અને દેશાવરમાંથી મોટી સંખ્યામાં લોકોએ દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. સામાન્ય રીતે નવા વર્ષને દિવસે દેવસ્થાનોમાં દર્શન કરવાનું પણ મહત્વ છે. તેમાં પણ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય તો કોઈપણ વ્યક્તિ પોતાની જાતને ધન્ય ગણે છે.
નવા વર્ષે સોમનાથ દર્શને ઉમટ્યા શિવભક્તો: આજથી વિક્રમ સંવતના 2081 ના નવા વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરીને સમગ્ર દેશ અને દેશાવરના શિવભક્તોએ નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શનને ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. જેને લઈને પણ નવા વર્ષે લાખોની સંખ્યામાં શિવ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં પહોંચે છે.
મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન: વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર સોમનાથ મહાદેવ મંદિર તરફ અગ્રેસર બનતું જોવા મળ્યું હતું. આજે દિવસ દરમિયાન મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જેમાં પણ દર્શનાર્થીઓ સહભાગી બનીને શિવભક્તો નવા વર્ષની ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરશે.
નવુ વર્ષ ફળદાયી નિવડે તે માટે પ્રાર્થના: સંવત 2081 નું નવું વર્ષ સૌ કોઈ માટે આરોગ્યપ્રદ અને દીર્ઘ આયુષ્યવાળું બને તે માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી. તેની સાથે સાથે સોમનાથ મંદિરે દર્શન કરવા માટે આવેલા શિવ ભક્તો પણ 2081 નું નવું વર્ષ પ્રત્યેક લોકો માટે યશસ્વી અને ફળદાયી નીવડે તેવી પ્રાર્થના પણ કરી હતી.
સૈનિકો અને કર્મચારીઓ માટે પ્રાર્થના: વધુમાં દેશની સેનામાં જોડાયેલો પ્રત્યેક જવાન તમામ તહેવારોમાં દેશની રક્ષા કાજે ફરજના સ્થળ પર હાજર હોય છે. આવા તમામ કર્મચારીઓ પોતાની ફરજના સમયે તહેવારોના સમયમાં પણ પોતાના પરિવારની વચ્ચે રહી શકતા નથી. આવા પ્રત્યેક વ્યક્તિને ભગવાન ભોળાનાથ દીર્ઘ આયુષ્ય આપે અને તેમના આરોગ્યની કુશળતા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: