રાજકોટ: રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાત અને દેશમાં પડ્યા છે. આ કોઈ પહેલી ઘટના નથી જેમા નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવી ઘણી ઘટનાઓનુ પુનરાવર્તન થતુ રહ્યુ છે પણ તંત્ર કુંભકર્ણની જેમ ઘોર નીંદ્રામાં છે. તે કહેવુ ખોટુ નથી. ત્યારે આ ઘટનામાં પોતાના સ્વજનો અને પોતાનો દિકરો ગુમાવનાર એક પિતા સાથે Etv Bharat એ વાત કરી ત્યારે તેમણે તેમની વેદના તો જણાવી પણ સાથે સાથે આરોપીઓ માટે પણ ધમકીભર્યા સુર કાઢ્યા હતા. આવો જાણીએ શું કહ્યુ મૃતકના પિતાએ.
ઘટના અંગે વાત કરતા પ્રદિપસિંહે જણાવ્યુ કે, અમારા પરિવારમાંથી કુલ 8 લોકો ગેમ ઝોનમાં ગયા હતા, જેમાંથી ત્રણ જણા નીચે હોવાથી બચી ગયા છે. પાંચ જણાની ઓળખ થતી નથી. તેમાંથી એક મારો દિકરો છે. જેનુ નામ રાજભા છે. બીજો મારો સાઢુભાઈનો દિકરો છે. તેઓ આશરે ચાર વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યા હતા. થોડી જ વારમાં સમાચાર મળ્યા કે ગેમઝોનમાં આગ લાગી છે.
પ્રશ્ન: જ્યારે આગ લાગી ત્યારે કોઈનો ફોન આવ્યો હતો, જાણ કેવી રીતે થઈ?
જવાબ: નીચે અમારા પરીવારના ત્રણ સભ્યો હતા. તેમનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યુ કે, શોર્ટ સર્કીટના કારણે આગ લાગી છે. આગ લાગવાથી મોટો બ્લાસ્ટ થયો હતો. ઘટના સ્થળે ફાયરની કોઈ સુવિધા નથી. સંચાલકો કોઈ જવાબ આપતા નથી. મારા સાઢુભાઈ બચાવવા ગયા તો અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો, જે એક ઈન્સ્ટાગ્રામના વિડિયોમાં જોવા મળે છે. (Etv Bharat હાલ આ વિડિયોની પુષ્ટિ કરતુ નથી)
પ્રશ્ન: ગેમઝોનની મોટી બેદરકારી સામે આવી છે તેને લઈને શું કહેશો?
જવાબ: ગેમઝોનમાં સંસાધનોને ચલાવવા માટે બીજા માળે 1500 લીટર ડિઝલ અને 1200 કે 1300 લીટર પેટ્રોલ રાખવામાં આવ્યુ હતુ. નીચે વેલ્ડીંગનુ કામ ચાલુ હતુ. તેમ છતા ઉપરનો માળ ચાલુ કર્યો હતો. વેલ્ડીંગનુ કામ ચાલુ હતુ કે અચાનક જ તળખો લાગતા જ સીધુ બ્લાસ્ટ થયુ હતુ. કોઈને બચવાનો મોકો મળ્યો ન હતો. 45 સેકંડમાં જ ઘટના બની ગઈ હતી. અહીં ચાર વર્ષથી ફાયર એનઓસી પણ નથી. ગેમઝોનમાં 99 રૂપિયાની સ્કીમ રાખી હોવાથી જરૂરિયાત કરતા વધારે લોકો ત્યાં હાજર હતા.
પ્રશ્ન: સરકાર પાસેથી તમારી માંગ શું છે?
જવાબ: પ્રદિપસિંહે તેમની માંગ જણાવતા કહ્યું કે, સરકાર આરોપીઓને ફાંસીની સજા આપે તેમજ કોઈ વકીલ આ કેસ હાથમાં ન લે, જો કોઈ વકીલ પૈસા માટે આ કેસ લડે તો તેને ફી પેટે મળતી રકમ કરતા બે લાખ વધારે આપવાની વાત તેમણે કરી હતી. વધુમાં તેમણે સરકારી સહાય લેવાની પણ ના પાડી દીધી છે. તેમણે ધમકીભર્યા સુરમાં કહ્યું કે, જો સજા પહેલા આરોપીઓના જામીન મંજુર થશે તો તમામ આરોપીઓને મારી નાંખવાની ધમકી આપી હતી. પુત્ર ગુમાવનાર એક પિતાની વેદના અને આક્રંદ શું આ સરકાર સમજશે એ જોવાનુ રહ્યુ.
ગુજરાતમાં આવી ઘણી બધી ઘટનાઓએ ઘણા નિર્દોષોનો જીવ લીધો છે. આવી ઘટનાઓ વારંવાર બનવા છતા સરકાર કોઈ નક્કર પગલા લેતી નથી. વડોદરા હરણીબોટકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના, તક્ષશિલા અગ્નિકાંડ, કાંકરિયા રાઇડ દુર્ઘટના બાદ હવે રાજકોટ ગેમઝોન દુર્ઘટના. આવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે તે સત્તાધારી સરકારની નપુંસકતા દર્શાવે છે તેમ કહેવુ ખોટુ નથી.