વડોદરા: વડોદરાએ એક સંસ્કારી નગરી તરીકે જાણીતું શહેર છે. આ શહેર એ વિશ્વામિત્રી નદીનાં કિનારે આવેલું છે. આ શહેરમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. એટલું જ નહીં વડોદરા શહેરમાં રમાતા ગરબા જગ-વિખ્યાત છે. આ શહેરનું પૌરાણિક નામ વટપદ્ર હતું. સંસ્કૃતમાં 'વટસ્ય ઉદરા' કહેવાતું હતું. આ વટસ્ય ઉદરા શબ્દનો અપભ્રંશ થતાં વડોદરા નામ થઈ ગયું. આ એ વડોદરા છે, જ્યાં ગુજરાતીઓ તો છે જ પણ મરાઠી સમુદાયની સંખ્યા પણ અહી વઘુ છે. સંસ્કારી નગરી વડોદરામાં 2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. તેઓ 5,70,128 મતના માર્જીનથી જીત્યાં હતા તે એક રેકોર્ડ છે.
વડોદરા બેઠક ભાજપનો ગઢ: 26 વર્ષથી વડોદરા બેઠક બની રહી છે ભાજપનો ગઢ, ગાયકવાડ રાજવી પરિવારનાં સભ્યો 6 વખત ચૂંટાઈને સાંસદ રહી ચૂક્યાં છે. વર્ષ 1957 માં પ્રથમ વખત અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી.
ઉમેદવાર બદલવાની ફરજ પડી: આઝાદી બાદ વર્ષો સુધી રાજવી પરિવારે આ બેઠક સંભાળી હતી. મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ 4 વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતાં, તો રણજિતસિંહ ગાયકવાડ 2 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. વર્ષ 1989 માં ભાજપે વડોદરા લોકસભા બેઠક ઉપર પહેલીવાર જીતનું ખાતું ખોલાવ્યું હતું અને તે પછીથી BJP માટે આ બેઠક અભેદ્ય કિલ્લા સમાન બની રહી છે. 2014 માં રંજનબેન ભટ્ટ સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા અને 2019 મા પણ વિજયી બન્યાં હતાં પરંતુ આ વખતે ભાજપમાં જ તેમનો વિરોધ થયો હતો અને જે બાબતને ભાજપ મોવડી મંડળે ગંભીરતાથી લીધી હતી અને અહીં ઉમેદવાર બદલવો પડયો હતો.
1951 માં બરોડા લોકસભાની બે બેઠકો હતી: ઈ.સ.1950માં ભારતનું સંવિધાન લાગુ પડ્યું ને 1951માં દેશભરમાં પહેલી લોકસભાની ચૂંટણી થઈ. ત્યારે વડોદરાને બરોડાના નામથી ઓળખવામાં આવતું. એટલે પહેલી ચૂંટણીમાં આ વિસ્તારની બે સીટ હતી. બરોડા ઈસ્ટ અને બરોડા વેસ્ટ. ત્યારે બરોડા વેસ્ટમાં ઈન્દુભાઈ અમીન અપક્ષ લડ્યા હતાં અને તેમની સામે સોશિયાલિસ્ટ પાર્ટીમાંથી હરિરામ ચંદ્રગોખલે ઊભાં હતાં પરંતુ અપક્ષમાં ઈન્દુભાઈ અમીન જીતી ગયાં હતાં. તો ઈસ્ટ બેઠક ઉપર કોંગ્રેસના એક જ ઉમેદવાર હતાં, રૂપજી પરમાર, તેમની સામે કોઈ પણ પ્રતિસ્પર્ધી ન હોવાથી બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં.
2014માં મોદીએ આ બેઠક જીતીને રેકોર્ડ સર્જયો હતો: વડોદરા લોકસભા બેઠક એક રસપ્રદ બેઠક છે. ભાજપે રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કર્યાં હતાં. પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં મતભેદ સર્જાવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવાનો વારો આવ્યો હતો. આ બેઠક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 માં ચૂંટણી લડ્યાં હતાં. તેઓ વારાણસીની સાથે સાથે વડોદરા બેઠક ઉપરથી પણ ચૂંટણી લડ્યાં હતાં અને કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રી સામે 5 લાખ 70 હજાર 128 મતોથી જીત્યાં હતાં, જે નરેન્દ્રભાઈ મોદીએ રેકોર્ડ બ્રેક બનાવ્યો હતો. પરંતુ વડાપ્રધાન મોદીએ વડોદરા બેઠક છોડીને વારાણસી બેઠક જાળવી રાખતાં વડોદરામાં પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. રંજનબેન ભટ્ટ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના તત્કાલીન શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત સામે જંગી બહુમતીથી ચૂંટાયાં હતાં. 2019 માં પણ ભાજપે રંજન ભટ્ટને રિપીટ કર્યા હતા. 2024 માં પણ ભાજપે ત્રીજીવાર રંજન ભટ્ટને ટિકિટ આપતાં પક્ષમાં વિરોધ થયો હતો.
વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન મતદારોની વઘુ સંખ્યા: ઇ. સ. 1721 માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબ્જો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યાં. મરાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ઇ. સ. 1761માં મરાઠા સામ્રાજ્યના પેશ્વાનો અફઘાનો સામે પાણીપતનાં યુદ્ધમાં પરાજય થયો પછી વડોદરાનું શાસન ગાયકવાડી શાસન હસ્તક આવ્યું. વડોદરાનાં રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનું શ્રેય ગાયકવાડ રાજ્યના સુપ્રસિદ્ધ શાસક મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે. સર સયાજીરાવ ગાયકવાડે ઇ. સ. 1875 માં ગાદી સંભાળી. તેમણે વડોદરા શહેરનો શૈક્ષણિક વિકાસ થાય તે માટે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, અદ્યતન પુસ્તકાલય, ઉચ્ચશિક્ષણ માટે યુનિવર્સિટી વગેરેની સ્થાપના કરી હતી. તેમણે ટેક્સ ટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછીએ સમયનાં વડોદરાનાં મહારાજાએ ભારત ગણ વડોદરા રાજ્યમાં સમાવેશ ક્યોં.
મહિલા ઉમેદવારોનો અહીં દબદબો: વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપ વતી મહિલા સાંસદોનો દબદબો રહ્યો છે. 1991માં પહેલીવાર ભાજપે રામાયણ ટીવી સિરિયલમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાને ટિકિટ આપી હતી. એ સમયે દૂરદર્શનની સિરિયલ "રામાયણ'ની લોકપ્રિયતા ચરમસીમાએ હતી અને એનો લાભ લઈ ભાજપે સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાને ટિકિટ આપી હતી. એ પછી ભાજપે 1996માં જિતુ સુખડિયાને ટિકિટ આપી, પણ તેઓ હારી ગયા હતાં. 1998 થી સળંગ 2004 સુધી સતત જયાબેન ઠક્કરને ટિકિટ આપી હતી અને તેઓ ત્રણ ટર્મ સુધી સાંસદ તરીકે રહયાં હતાં. એ પછી ભાજપે મહિલાના બદલે પુરુષ ઉમેદવારને પસંદ કર્યા અને બાલ કૃષ્ણ શુક્લને ટિકિટ આપી. તેઓ પણ જીત્યાં હતાં. 2014માં નરેન્દ્ર મોદી લડ્યા. પણ તેમણે વારાણસીની સીટ જાળવી રાખતાં 2014ની પેટાચૂંટણીમાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપી, એટલે એક રીતે નરેન્દ્ર મોદીને બાદ કરીએ તો આ સીટ ઉપર ભાજપના બે જ પુરુષ સાંસદોને ટિકિટ મળી છે. આ વખતે ડો. હેમાંગ જોષીને ટિકિટ આપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે, આ સીટ ઉપર કોણ વિજયી બને છે.
આ બેઠક ઉપર 2024 માં 5 લાખની લીડ લાવવી ભાજપ માટે સહેલું: ગુજરાતમાં બે ચૂંટણીથી ભાજપ પક્ષ તમામ 26 બેઠક જીતતો આવ્યો છે. પણ આ વખતે જીતનો ટાર્ગેટ બીજા નંબરે રાખ્યો છે. પરંતુ સૌપ્રથમ 5 લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો છે. તમામ 26 સીટ ઉપર 5 લાખની લીડ મેળવવી એ ભાજપનો પ્રથમ ટાર્ગેટ છે. જોકે, વડોદરા ભાજપનો ગઢ ગણાય છે. એટલે આ બેઠક ઉપર 5 લાખથી પણ વઘુ લીડનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી શકાય એમ છે કારણકે 2014 માં નરેન્દ્ર મોદી લડ્યા હતા ત્યારે તેઓ 5.70 લાખ મતની લીડથી જીત્યા હતા. તો 2019 માં રંજનબેન ભટ્ટે પણ 5.89 લાખની લીડથી ચૂંટણી જીત્યાં હતાં. તો આ સમયે ડૉ. હેમાંગ જોષી 5.5 લાખથી પણ વઘુ લીડ આપે તેવી સંભાવના છે. પરંતુ વિવાદો વંટોળની અસર મતદારો ઉપર કેવી રહેશે તે જોવું રહયું.
7 વિધાનસભા ભાજપે હાંસલ કરી: વડોદરા લોકસભા બેઠક હેઠળ આવતી 7 વિધાનસભા સીટમાં સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સચાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુરનો સમાવેશ થાય છે. 2022ની ચૂંટણીમાં ભાજપને વાઘોડિયા સિવાયની તમામ સીટ ઉપર 1 લાખથી વધારે મત મળ્યાં હતાં. માત્ર વાઘોડિયાની એક જ સીટ અપક્ષે હાંસલ કરી હતી. જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા 77 હજાર મતે અપક્ષ તરીકે ચૂંટાઈ આવી ધારાસભ્ય બન્યાં હતાં. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાધોડિયા વિસ્તારના યુવા નેતા છે. પહેલાં તેઓ ભાજપમાં જ હતા, પણ 2022નીચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતાં તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ને જીતી ગયાં હતાં. હવે ચૂંટણીના માહોલ વચ્ચે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાતાં વાઘોડિયા બેઠક ઉપર પેટા ચૂંટણી થવા જઈ રહી છે. ભાજપે ધમેન્દ્રસિહ વાઘેલાને જ ટિકિટ આપી છે. ગુજરાતના ટોપ - 5 ધનવાન ધારાસભ્યોમાંના એક ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે. પરંતુ તેમના પ્રતિસ્પર્ધી પણ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ પણ ચૂંટણી મેદાનમાં આવી શકે તેમ છે. આ જંગ પણ ખૂબજ રસાકસી ભર્યો રહેશે.
છ વખત રાજવી પરિવાર સાંસદ બન્યા: વડોદરા સ્વતંત્ર ભારતના મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ઇ. સ.1960માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું. વડોદરા રાજવી પરિવારના ફતેસિંહરાવ ગાયકવાડ, રણજિતસિંહ ગાયકવાડ અને સત્યજિતસિંહ ગાયકવાડ લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સાંસદ રહી ચૂક્યા છે.
મહારાષ્ટ્રીયન, પાટીદાર અને વૈષ્ણવ મતદારો નિર્ણાયક બની રહે છે: વડોદરા લોકસભામાં જ્ઞાતિનું સમીકરણ નિર્ણાયક રહેતું નથી તેમ છતાં અહીં કુલ 19.42 લાખ મતદારોમાંથી 3.49 લાખ મતદારો મહારાષ્ટ્રીયન મતદારો છે. 2.72 લાખ પાટીદારો અને 2.33 લાખ વૈષ્ણવો છે જે ચૂંટણીમાં નિર્ણાયક બની રહેતાં હોય છે. તેમ છતાં સીટ ભાજપનો ગઢ બની રહી છે. પાર્ટી કોઈ પણ વર્ગનાં ઉમેદવારને ટિકિટ આપે તો પણ હારી જાય એવી સંભાવના ઓછી છે. ત્રણ ટર્મથી ભાજપ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપે છે. બે ટર્મ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી અને આ વખતે ડો. હેમાંગ જોષીને ટિકિટ આપી છે.
છેલ્લી ત્રણ ચૂંટણીમાં 2014માં સૌથી વધારે મતદાન થયું: વડોદરા લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીની વાત કરીએ તો 2009 માં 49 ટકા મતદાન થયું હતું, તો 2014 માં 71 ટકા અને 2019માં ઘટીને 68 ટકા મતદાન થયું હતું. 2014 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદનો ચહેરો જાહેર થઈ ચૂક્યાં હતાં એટલે તેની અસરના કારણે 2014 માં મતદાનની ટકાવારી વધી ગઈ હતી, પણ 2019 માં મતદાન ત્રણ ટકા ઘટ્યું હતું.
આ વખતે યુવા ચહેરાઓ મેદાને: આ વખતે વડોદરા લોકસભા બેઠક ઉપર બંને મુખ્ય રાજકીય પક્ષોએ યુવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ભાજપે તો માત્ર 33 વર્ષના યુવા ઉમેદવાર ડો. હેમાંગ જોશીને ટિકિટ આપી છે. ડૉ. હેમાંગ જોશી વડોદરામાં શહેર કક્ષાનો ભાજપનો યુવા ચહેરો છે. તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ-ચેરમેન છે. તેઓ લેખક અને કવિ પણ છે. તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી સેક્રેટરી પણ રહી ચૂક્યાં છે. તેઓ વડોદરા એકમના પ્રમુખ તરીકે વ્રજધામ ઓફ સોશિયલ વર્કના ભૂતપૂર્વ ફેકલ્ટી જનરલ સંચાલિત વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન (VYO) સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે એટલે તેમને વૈષ્ણવ સંપ્રદાયની વોટ બેન્કનો પણ ફાયદો મળશે. આ ઉપરાંત તેઓ એબીવીપી અને સંઘ સાથે પણ જોડાયેલાં રહયાં છે. તેવી જ રીતે કોંગ્રેસે પણ યુવા અને અનુભવી ચહેરા તરીકે જશપાલસિંહ પઢિયારને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ પાદરા તાલુકાના એકલબારાના વતની છે. તેઓ પાદરાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 2022નીવિધાનસભા ચૂંટણીમાં પાદરા બેઠક ઉપર હારી ગયાં હતાં. હાલ તેઓ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા અને સાવલી તાલુકામાં ક્ષત્રિય સમાજનાં મતદારોની સંખ્યા વધુ છે. હાલ સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાની ટીપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે વિવાદ વકર્યો છે. જેનો સીધો લાભ જશપાલસિંહ પઢીયારને મળે તો કોઈ નવાઈ નહીં.
રંજનબેન ભટ્ટે 17 માંથી માત્ર 9.5 કરોડ ભંડોળના પ્રજાલક્ષી કાર્યો કર્યા: ભારત સરકાર તરફથી સાંસદને પોતાના વિસ્તારમાં કામ કરવા માટે 17 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવે છે. પણ વડોદરા લોકસભા સીટના 2019 નાં સાંસદ રંજનબેનભટ્ટે 17 કરોડ રૂપિયામાંથી માત્ર 9.5 કરોડ રૂપિયાનું જ ભંડોળ વાપર્યું છે. સંસદમાં 273 દિવસના કાર્યકાળમાંથી 242 દિવસ હાજરી આપી છે અને 244 પ્રશ્ન સંસદમાં પૂછ્યા છે.
રામાયણમાં સીતા માતાનો રોલ કરનારને મેદાને ઉતારી ભાજપે પહેલો વિજય મેળવ્યો: 1991માં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ દીપિકા ચીખલિયાને ટિકિટ આપી હતી. તે સમયે દૂરદર્શનની સિરિયલ "રામાયણ'ની લોકપ્રિયતા ચરમસીમાએ હતી અને એનો લાભ લઈ ભાજપે સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાને ટિકિટ આપી હતી. ભાજપનો આ દાવ સફળ રહયો અને ભાજપે પહેલીવાર અહીં વિજય મેળવ્યો હતો.
કોંગ્રેસે સત્તા હાંસલ કરી: 1996 મા કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજવી પરિવાર સાથે સંકળાયેલા સત્યજીતસિંહ ગાયકવાડને કોંગ્રેસે મેદાને ઉતાર્યા હતાં જયારે ભાજપે જીતુભાઈ સુખડીયાને મેદાનમાં ઉતાર્યા હતાં પરંતુ તે સમયે સત્યજીતસિંહ ગાયકવાડ વિજયી બન્યાં હતાં. સત્યજીતસિંહ ગાયકવાડે માત્ર 17 મતે વિજય મેળવ્યો હતો. જે સમગ્ર દેશમાં ખૂબ ઓછાં માર્જિનથી વિજયી બનવાનો રેકોર્ડ બન્યો હતો અને સત્યજીતસિંહ ગાયકવાડ તે સમયે સૌથી નાની ઉંમરે સાંસદ બન્યાં હતાં અને તે પણ એક રેકોર્ડ બની રહયો હતો. પરંતુ ત્યારબાદ ઉમેદવારો બદલ્યાં પણ કોંગ્રેસ સત્તામાં આવી શકી નથી.
શહેરને કનડતી સમસ્યાઓ: વડોદરા શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે, કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા કાયમ માટે સર્જાય છે. મુખ્ય ચાર રસ્તાનાં જંકશન ઉપર અને મીડ બ્લોકનો સર્વે કરવાની જરૂરિયાત છે. તેને ધ્યાનમાં રાખી 11 સ્પોટ નક્કી કર્યા છે. તે પ્રમાણે આગામી બે વર્ષના સમય દરમિયાનમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે. જે નીચે મુજબ છે. (૧) ગેંડા સર્કલથી પંડ્યા બ્રિજ સુધી જંકશનનો સહનો મીડ બ્લોક સર્વે, (૨) યોગાસર્કલ, (૩) એરપોર્ટ જંકશન, (૪) ગોત્રી યશ કોમ્પલેક્ષ, (૫) સોમા તળાવ ડભોઈ રોડ, (૬) મહારાણી શાંતાદેવી, (૭) અલકાપુરી ગરનાળાથી ડેરી ડેન, (૮) માણેજાથી મકરપુરા, (૯) હરણી ગામ જંકશન, (૧૦) તરસાલી શાકમાર્કેટ, (૧૧) બાપુની દરગાહ પાસે પાંચ રસ્તા જંકશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રોડ રસ્તા, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પૂરતી સ્ટ્રીટ લાઈટોની સુવિધા, સ્વચ્છતાની જાળવણી, મચ્છરોનો ઉપદ્રવ, વગેરે જેવી સમસ્યાઓ સત્વરે ઉકેલાય તેવી શહેરીજનોની લાગણી છે. આ ઉપરાંત એરપોર્ટ સુવિધા, અત્યાધુનિક રેલવે સુવિધા, શહેરી બસ સુવિધા, ગ્રામીણ વિસ્તારોને જોડતી બસની સુવિધા, જી.આઈ.ડી.સી.નો વિકાસ, રોજગારીનો પ્રશ્ર્ન, વિશ્વામિત્રી નદીનાં રીવરફ્રન્ટની સુવિધા, જેવાં પ્રશ્રોથી મુક્તિ મળે. તદુપરાંત દર વર્ષે શહેરમાં ફરી વળતાં પૂરનાં પ્રશ્નો કાયમી ઉકેલ આવે કેમ કે, દર વર્ષે વડોદરા શહેરમાં માનવસર્જિત પૂર આવતું હોય તેમ નાગરિકોને લાગી રહયું છે, કારણકે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી સગવડનો અભાવ વડોદરા શહેરમાં જોવા મળે છે. તાજેતરમાં જ રાજયનાં મુખ્યમંત્રીએ જાહેર કાર્યક્રમમાં કહયું હતું કે, અમદાવાદ અને સુરત શહેર જેટલો વિકાસ કરવામાં વડોદરા પાછળ રહી ગયું છે. હવે જોવું રહયું કે, આ યુવાન નેતૃત્વ વડોદરાનો કેવો અને કેટલો વિકાસ કરે છે અને વડોદરા શહેરને રાજયભરમાં આગવી ઓળખ કયારે મળે છે એ તો આવનાર સમય જ બતાવશે, હાલ તો વડોદરા શહેરમાં ચૂંટણી પ્રચારનો માહોલ સર્જાયેલો છે.
શહેરીજનોનો મિજાજ: વડોદરા લોકસભા બેઠક ઉપર લોકોનો મિજાજ જોતાં વડોદરા શહેરીજનોની માગ છે કે, શહેરનાં ત્રણ દરવાજાની અંદર આવેલા વિસ્તારોમાં હર હંમેશ ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. જેને લઈને શહેરીજનો વારંવાર આ બાબતે કોર્પોરેશન તેમજ સાંસદને રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ તેઓની સમસ્યાનો નિકાલ આજ દિન સુધી આવ્યો નથી. તેથી શહેરીજનો નવાં સાંસદ જે પણ આવે તેને આ બાબતે શહેરીજનોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ આ કામની પ્રાયોરિટી આપવી જોઈએ.
બોટકાંડની કેટલી અસર થશે - શિક્ષણ ક્ષેત્રની બેદરકારી ક્યારે દૂર થશે: વડોદરા શહેરમાં તાજેતરમાં જ શિક્ષણની બેદરકારીને લઈને હરણી તળાવમાં બોટ ઉંધી વળી જવાની દુર્ઘટના બની હતી. જેને લઈને નાદાન 14 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં હતાં જેથી શહેરીજનોની તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને નાગરિકોની માંગ પણ છે કે, શિક્ષણ ક્ષેત્રે ચાલતી બેદરકારી તાત્કાલિક ધોરણે દૂર થાય.