સુરત: શહેરમાં પસાર થતી મીઠી ખાડીએ થોડા દિવસ અગાઉ તબાહી મચાવી હતી. ખાડી ઓવરફ્લો થતાં ખાડીનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું. જેને લઇને તંત્ર દોડતું થઇ ગયું હતું. ત્યારે હાલ મીઠી ખાડીની ડિઝાઇન બદલવા પાલિકાએ કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકાએ ખાડીની પર સર્વે હાથ ધર્યો: સુરત શહેરમાં તાજેતરમાં જ આવેલા ખાડી પૂરે કિનારાની વસાહતોના દોઢ લાખ લોકોને બાનમાં લીધા હતા. સણિયા-હેમાદ ગામ,પરવત પાટિયાના માધવ બાગ અને મીઠી ખાડીના ઓમનગર, કમરૂનગર સહિતના વિસ્તારોમાં કમર સુધીના પાણીને લીધે જાનમાલની નુકસાની પણ નોંધાયા બાદ પાલિકાએ હવે ખાડીની ડિઝાઈન પર સરવે હાથ ધર્યો છે.
સ્વસંચાલિત ફ્લેપ ગેટની સંખ્યા વધારાશે: આ મુદ્દે 31 જુલાઇએ મળેલી સામાન્ય સભામાં સ્થાનિક કોર્પોરેટર દિનેશ પુરોહિતે પણ સવાલો ઊભા કર્યા હતા. 3 ઓગસ્ટે સંદીપ દેસાઈએ સંકલન બેઠકમાં વિભાગ પાસે સ્પષ્ટતા માંગી હતી. પાલિકાના ડ્રેનેજ વિભાગે કહ્યું કે, મીઠી ખાડીમાં આઉટર રિંગ રોડ આશીર્વાદ માર્કેટથી ઉધના જીવન જ્યોત બ્રિજ સુધીમાં સ્ટોર્મ લાઇનના આઉટ લેટ પર સ્વસંચાલિત ફ્લેપ ગેટની સંખ્યા વધારાશે. ખાડી કિનારેના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પણ વિવિધ સ્થળો પર ફ્લડ અને સ્લુઝ ગેટ મૂકાશે.