રાજકોટ: સાધુ-સંતો બાદ હવે મુસ્લિમ સમાજ ક્ષત્રિયોનાં સમર્થનમાં આવ્યો છે. સહુ કોઈની નજર હવે શનિવારે રાજકોટ ખાતે યોજાનારી ક્ષત્રિયોની મહારેલી પર રહેશે. પદ્મિનીબા વાળાએ મુસ્લિમ સમાજની લાગણી સમજીને માનપૂર્વક તેમનાં અન્નશનનાં ધરણાં પૂર્ણ કરવાની વિનમ્રતાપૂર્વક ઈનકાર કર્યો છે અને "આ અત્યારે શક્ય નથી" તેવું કહેતા પદ્મિનીનીબા વાળા વીડિયોમાં નજરે પડે છે.
શનિવારે રાજકોટ ખાતે યોજાનારી આ ક્ષત્રિયોની મહારેલીમાં પુરૂષોત્તમ રૂપાલાની રાજકોટથી લોકસભા લડવા માટેની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિયો રાજકોટ કલેકટર તેમજ રાજકોટ ચુંટણી અધિકારીને આવેદનપત્ર આપશે.
ગામે ગામથી ક્ષત્રિયો રાજકોટ ખાતે યોજાનારી આ મહારેલીમાં આવે એવું આવાહન ક્ષત્રિય સંગઠનો દ્વારા તમામ ક્ષત્રિય જ્ઞાતિનાં સભ્યોને કરવામાં આવ્યું છે. આ દરમ્યાન જાણવા મળતી વિગતો મુજબ રૂપાલા મુદ્દે ભારતીય જનતા પક્ષનાં ગુજરાત ખાતેનાં મોવડી મંડળની અનેક બેઠકો થઈ હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યાં છે, ત્યારે શનિવારે "પુરષોત્તમ રૂપાલા એમનો પ્રચાર-પ્રસાર કાર્યક્રમ રાબેતા મુજબ રાખશે" તેવાં અહેવાલો સાંપડી રહ્યાં છે.