રાજકોટ: ધોરાજીમાં રહેતા રીઢા ગુનેગાર તરીકે જાણીતા વ્યક્તિના ઘરમાં વનસ્પતિજન્ય ગાંજો સંતાડવામાં આવ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા નાર્કોટિક્સની તાલીમ પામેલા શ્વાન કેપ્ટોની મદદથી રહેણાંકમાં તલાશી શરૂ કરી હતી. જેમાં કેપ્ટોએ બાથરૂમમાં સંતાડેલા 12 કિલો જથ્થાને શોધી આપ્યો હતો. ત્યારે આ ગાંજાના મળી આવેલા જથ્થા સાથે શાહબાગહુસેન દિલુભાઈ મકવાણા નામના વ્યક્તિને ઝડપી લઈને રૂપિયા 1.35 લાખ ઉપરાંતના મુદ્દા માલને કબજે કરીને NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શ્વાનને સ્પેશ્યલ નાર્કોટીક્સની તાલીમ અપાઈ: આ અંગે પોલીસ દ્વારા મળતી માહિતીઓ અનુસાર ગુજરાતમાંથી નાર્કોટીક્સની બદી સંપુર્ણ પણે નાબુદ કરવા માટે અને નાર્કોટીક્સ સબંધીત ગેરકાયદેસર પ્રવૃતિ કરતા રીઢા ગુનેગારોને શોધી કાઢવા માટે રાજ્યના પોલીસ વિભાગમાં રહેલા ડોગ્સને તાજેતરમાં જ સ્પેશ્યલ નાર્કોટીક્સની તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ યુનિટ ખાતે ફાળવેલ એક ડોગ કે જેનું નામ કેપ્ટો છે. એ શ્વાને પણ આ તાલીમ લીધેલી હોવાથી રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા ડોગની મદદ લેવા સુચન કરવામાં આવ્યું હતું. જેમાં નાર્કોટીકસ પદાર્થ વેચનાર ઇસમોના રહેણાંકની ઝડતી સમયે કેપ્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
SOG શાખાને સૂચના અપાઈ: આ સૂચનો મુજબ રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લા SOG શાખાને આ બાબતે અસરકારક કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના પોલીસ ઇન્સપેક્ટર એફ.એ.પારંગી, પોલીસ સબઇન્સપેક્ટર બી.સી.મિયાત્રા, એસઓજીના સ્ટાફ તથા નાર્કોટીક્સ તાલીમ લીધેલ ડોગ કેપ્ટો અને તેમની સાથે રહેલ ડોગ હેન્ડલર રાજેન્દ્રસિહ રાયજાદા સાથે ધોરાજી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
SOGની રેડ: તે દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર એફ.એ.પારગી, પોલીસ સબઇન્સપેક્ટર બી.સી.મિયાત્રાને સંયુકત બાતમીરાહે હકિકત મળેલી હતી કે, અગાઉ નાર્કોટીક્સના ગુનામાં પકડાયેલ શાહબાઝહુશેન દિલુભાઇ મકવાણા જે ધોરાજીમાં રહે છે તે પોતાના મકાનમાં ચરસ અને ગાજાનું વેચાણ કરે છે. આ વેચાણની પ્રવૃતિ ચાલુ હોવાની હકીકતને આધારે રેડ કરવામાં આવી હતી.
કુલ 1.35 લાખનો મુદ્ધામાલ જપ્ત: આ ઝડપાયેલ વ્યક્તિના કબજાના રહેણાંક મકાનના બાથરૂમના ભાગે સંતાડી રાખેલ માદક પદાર્થ એટલે કે ગાંજાનો જથ્થો 12.006 કિ.ગ્રામ જેની કિ.રૂ.1,20,060/- થાય છે તે તાજેતરમાં ટ્રેનિંગ પૂર્ણ કરેલ ડોગ કેપ્ટોએ શોધી કાઢ્યો હતો. જેમાં ધોરાજી સીટી પો.સ્ટે ખાતે આ બાબતમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ કેસની તપાસ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એલ.આર.ગોહિલને સોંપતા તેઓ આ બાબતમાં તપાસ ચલાવી રહ્યા છે. આ બાબતમાં પોલીસ દ્વારા ધોરાજીના શાહબાગહુસેન દિલુભાઈ મકવાણા નામના વ્યક્તિને 12 કિલો ગાંજો તેમજ એક મોબાઇલ સહિત 1.35 લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: