વલસાડ: ભારત એક તરફ જ્યાં ડિજીટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યો છે. ત્યાં આજે પણ કેટલાક ક્ષેત્ર એવા છે. જ્યાં મોબાઈલ નેટવર્ક ન આવતા એક કોલ કરવા માટે લોકોને 3 થી 4 કીમી દૂર ચાલીને જવું પડે છે. વલસાડ જિલ્લાના 16 થી વધુ ગામોમાં આજે પણ મોબાઈલ નેટવર્ક ન હોવાને કારણે લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
16 ગામોમાં નેટવર્કનો અભાવ: વલસાડ જિલ્લાના હથનબારી, ચાસમાંડવા, જાગીરી, ગનવા, સજનીબરડા, મનાઇચોઢી, મામાભાચા, માંકડબન, ભવઠાણ આંબોસી, જામલીયા, સોંનદર, મુરદડ, પંગારબારી, ભાનવળ, મોટીકોસબાડી, ઉપલપાડા, ટીટુંખડક વિગેરે ગામોમાં BSNLના ટાવર હોવાં છતાં નેટવર્ક બરાબર આવતું નથી.
ઓનલાઈન થતી કામગીરીની સમસ્યા: ગ્રામીણ કક્ષાએ મોટાભાગે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મેળવવા માટે ઓનલાઈન કૂપન કાઢવાની હોય છે. પરંતુ અહીં તો ગામોમાં નેટવર્ક જ આવતું નથી. જેના કારણે ઓનલાઇન કુપન કાઢવા માટે ઉપરોક્ત 16 ગામોના લોકોને અન્ય ગામોમાં અથવા તો છેક ધરમપુર સુધી 30 થી 40 કિલોમીટર લંબાવવું પડે છે. સસ્તા અનાજનો દુકાનદાર કોમ્પ્યુટર કે લેપટોપ લઈ ડુંગરાળ પ્રદેશમાં ઊંચાઈ ઉપર જાય અને ત્યાં બેસે અને નેટવર્ક પકડાય તો તેઓના કુપન નીકળતા હોય છે. તો કુપનની કામગીરી મેન્યુઅલ રીતે જ કરી દેવાય છે.
ચોમાસા દરમિયાન મુશ્કેલીમાં વધારો: ધરમપુરના ઊંડાણના 16 જેટલા ગામોમાં મોબાઈલ નેટવર્ક ન આવવાને કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. સંદેશાઓની આપ-લે માટે અને ત્વરિત સંદેશો પહોંચે તે માટે ગામના લોકોને માટે મોબાઈલ નેટવર્ક ખૂબ જરૂરી છે. પરંતુ અહીં તો નેટવર્ક જ આવતું નથી. જેના કારણે ચોમાસા દરમિયાન જો કોઈ દર્દી રોગથી પીડાય કે ગંભીર બીમારીમાં સપડાય ત્યારે આવા સમયે રાત્રિ દરમિયાન 108 ને ફોન કરવા માટે પણ નેટવર્ક નથી હોતું. તેવા સમયે જે ગામમાં નેટવર્ક પકડાય છે. ત્યાં સુધી લોકોએ જવું પડે છે અને નેટવર્ક આવ્યા બાદ ફોન કરીને 108 ને જાણ કરાઇ છે. આ સમય દરમિયાન જો દર્દીને કંઈ થાય તો તે માત્ર ભગવાન ભરોસે જ રહેતો હોય છે.
8થી વધુ ગામોમાં BSNLના ટાવરો નિષ્ક્રિય: ધરમપુરના 16 જેટલા ગામોમાં નેટવર્કની સમસ્યા છે. જેને દૂર કરવા માટે લગભગ 8 થી વધુ ગામોમાં BSNL દ્વારા ટાવરો ઉભા કરી દેવાયા છે. પરંતુ આ ટાવરો કાર્યરત કરવામાં આવ્યા નથી. એટલે કે ટાવરો માત્ર શોભા સમાન બન્યા છે. જેના કારણે BSNLની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ધરમપુરના ધારાસભ્ય લેખિતમાં રજૂઆત: ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા 16 જેટલા ગામોમાં નેટવર્કની સમસ્યા દૂર કરવા માટે BSNL વિભાગના જીએમ ને લેખિતમાં પત્ર લખી મૂકવામાં આવેલા ટાવરો શરૂ કરવા અને લોકોની સમસ્યા દૂર કરવા માટે જણાવવામાં આવ્યું છે. સાથે જ તેમની આ કામગીરી કેટલે સુધી પહોંચી અને ક્યાં અટકી છે. તે અંગેની પણ જાણકારી આપવા વિનંતી કરાઇ છે.
700 મેગા હર્ટ્સ ફ્રિકવન્સીના ટાવરો ઊભા કરાયા: ધરમપુર તાલુકાના 16 જેટલા ગામોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા બાબતે વલસાડ જિલ્લાના BSNL અધિકારી નીરજકુમાર સાથે ટેલીફોનિક વાતચીત કરતા ETV ભારતને જણાવ્યું કે, ઓલ ઇન્ડિયા યુએસઓ 4G યોજના અંતર્ગત સમગ્ર ભારતભરમાં BSNLને 700 મેગા હર્ટ્સ બેન્ડ ફ્રિકવન્સી સાથે ટાવરો આપવામાં આવ્યા હતા.
15 ટકા ટાવરો બંધ હાલતમાં: જોકે તે હાલ નવા મોબાઈલોમાં નેટવર્ક પકડી શકતા નથી. વધુ ફ્રિકવન્સીનો ટાવર હોય તો તે નવા મોબાઈલમાં નેટવર્ક પકડી શકે છે. અગાઉના જૂના મોબાઈલો આ ફ્રિકવન્સીમાં કામગીરી કરી શકે છે, જોકે ધરમપુરમાં કેટલાક ગામોમાં ટાવરો ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ આ સમસ્યાને કારણે ઉભા કરવામાં આવેલા 15 ટકા ટાવરો હાલ બંધ હાલતમાં છે. ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆત મળી છે અને તે ઉચ્ચ સ્તરે મોકલી દેવામાં આવી છે. કેન્દ્રીય સ્તરેથી ફ્રિકવન્સી વધારવા માટે નિર્ણય લેવાય તે બાદ જ આગળની કામગીરી હાથ ધરાશે.
2100 બેન્ડ ફ્રિકવન્સી સાથેના ટાવર મૂકવાની માંગ: વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાં BSNL દ્વારા મૂકવામાં આવેલા વિવિધ ટાવરો માત્ર 700 બેન્ડ ફ્રિકવન્સી સુધીનાં છે. જેના કારણે કેટલાક મોબાઈલોમાં એનું નેટવર્ક આવી શકે તેમ નથી. જેથી 2100 બેન્ડ ફ્રિક્વન્સીનાં ટાવરો મૂકવામાં આવે તો આ તમામ સમસ્યાઓ હલ થઈ જાય તેમ છે. તે માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઇ છે. હવે નિર્ણય લીધા બાદ 2100 બેન્ડ ફ્રિકવન્સીના ટાવરો મૂકવામાં આવશે. આમ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઊંડાણના 16 જેટલા ગામોમાં લોક ફ્રીક્વન્સીના ટાવરો મુકાયા પરંતુ કાર્યરત કરાયા નથી. જેના કારણે આ 16 જેટલા ગામોના લોકોને નેટવર્ક ન આવવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: