ભાવનગર: જિલ્લામાં નરેન્દ્ર મોદીએ 2007માં મેથળા બંધારો બનાવવા માટે રકમ ફાળવી અને 2024 સુધી સરકાર વાતો કરી રહી ત્યારે ખેડૂતોએ સ્વયંભૂ ખર્ચે 2018માં જાત મહેનતે બંધારો બાંધી દીધો હતો. ખેડૂતોનો બંધારો વચ્ચે તૂટ્યો છતાં હિંમત રાખી ફરી બાંધ્યો અને આજે ફરી 2024માં ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. કેવા પાકો કેટલા ગામ લે છે ચાલો જાણીએ.
2018માં બાંધેલો મેથળા બંધારો ઓવરફલો: રાજ્યની સરકારે મેથળા બંધારો બાંધવા માટે વાતો કરતી રહી અને ખેડૂતોએ 2018માં 26 માર્ચના રોજ આ બંધારો બાંધવા માટે શુભારંભ કરી દીધો હતો. પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, 2018માં 13 થી 15 ગામના ખેડૂતોએ એકઠા થઈને પોતાના સ્વખર્ચે ફાળો આપીને અને દાતાઓ દ્વારા મળેલા ફાળાને પગલે બાંધવાનો પ્રારંભ કર્યો હતો. આ બંધારો 2018 માં બંધાયા બાદ ઓવરફ્લો થયો અને બે વખત તૂટવા આવ્યો છતાં પણ ખેડૂતોએ હિંમત રાખીને ફરી બંધારાને બાંધ્યો હતો. આજે 2024માં આ બંધારો ઓવરફ્લો થતાં 13 થી 15 ગામના ખેડૂતોને આગામી દિવસોમાં અંદાજે 5 થી 15 કરોડના ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે.
મોદીથી લઈ ભુપેન્દ્ર પટેલ સુધી વાતો કર્યાના આક્ષેપ: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના છેવાડે આવેલા મેથળા ગામ નજીકના બગડી નદી ઉપરના મેથળા બંધારા ઉપર ખેડૂતોએ સ્વયંભૂ કાર્ય હાથ ધર્યું હતું. ખેડૂતોએ સ્વયંભૂ 55 લાખના ખર્ચે આ બંધારો બાંધી દીધો હતો. ત્યારે મેથળા બંધારા સમિતિના ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, "2007માં પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 35 કરોડ મંજૂર કર્યા હતા. પરંતુ કોઈ કામગીરી થઈ નહીં. ત્યારબાદ આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન તરીકે આવ્યા અને તેમને 55 કરોડ મંજૂર કર્યા અને ખાતરી આપી. આમ છતા પણ એક ઈંટ પણ મુકાય નહીં. આથી ખેડૂતોએ 2018માં સ્વયંભૂ બંધારો બાંધવા માટે કમરકસી લીધી હતી. જો કે આમ છતાં 6 એપ્રિલે ખાતમુહૂર્ત થયું ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંદાજે 86 કરોડની સિદ્ધાંતિક મંજૂરી આપી હતી. આમ છતાં પણ કામ થયું નહીં ત્યારે હાલમાં જાણવા મળ્યું છે કે, આ બંધારો બાંધવા માટે સરકારે 207 કરોડ મંજૂર કર્યા છે પણ કોઈ એક નજર નાંખવા આવ્યું નથી.
કયા કયા પાકોમાં ખેડૂતોને લાભ: મેથળા બંધારો 15,000 ગામડાના શ્રમિકોના પરસેવાથી બન્યો છે. જે 2019 અને 2020 માં પણ તૂટવા પામ્યો હતો. આમ છતાં ફરી ખેડૂતોએ હિમંત રાખી તેને બનાવ્યો હતો. બગડ નદી ઉપર બનેલા બંધારણથી સીધા 13 થી 15 ગામોને લાભ થશે. જેમાં દયાળ, ભાંભોર, દાઠા, વિજોદરી, પ્રતાપપુરા, મેથળા, મધુવન, રોજીયા, ઉંચા કોટડા, નીચા કોટડા, તલ્લી, વાલોર જેવા ગામના ખેડૂતોને સીધો ફાયદો મળે છે. હાલમાં 2024 માં આવરફલો થવાને કારણે આ ગામના ખેતીવાડી વિસ્તારમાં લેવામાં આવતા કપાસ, મગફળી, ખજૂર, શેરડી, જુવાર, મકાઈ અને બાજરીના પાકને સીધો લાભ થવાનો છે. બંધારો થવાથી ખેડૂતોને આગામી દિવસોમાં પણ વર્ષના ત્રણેય પાક લેવાની તક મળવાની છે તેથી ખેડૂતો ખુશ ખુશાલ છે.